કપડવંજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો મટીરીયલની કામગીરીથી થતું પ્રદુષણ બંધ કરવા DRMને આવેદન અપાયું
ગાંધીનગર :
કપડવંજના વોર્ડ–3 અને ૭ ના જાગૃત નાગરિકજનોનું એક પ્રતિનિધિ મંડળ દ્વારા આજે વડોદરા ખાતે રેલવે ના DRM ને રૂબરૂ મળી આશરે ૧૫,૦૦૦થી વધુ નાગરિકોને પડતી તકલીફો, ખેતીનાં પાકનું મોટું નુકશાન તેમજ આ વિસ્તારમાં ભણતા આશરે ૫,૫૦૦થી વધુ બાળકોની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરેલ છે તેમજ તેઓશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે.
રેલ્વે અધિકારીઓ દ્વારા લોકોની વ્યથા અને માંગણીઓ પ્રથમવાર સાંભળેલ છે. નાગરિકો દ્વારા આજથી તા ૨૪.૦૫.૨૦૨૨થી ૧૫ દિવસની છેલ્લી મુદત આપવામાં આવી છે અને તેમણે સહકારની લાગણી સાથે સત્વરે કપડવંજ સ્ટેશનથી આ પ્રક્રિયા સ્થળાંતરિત થાય તેવા પગલાં લેવાના ચાલું કરી દીધેલ છે. રેલવે ના DRM અમિત કુમાર ગુપ્તા અને તેમની પૂર્ણ ટીમના સદસ્યોએ ખુબ શાંતિથી રજૂઆતો સાંભળી છે અને ન્યાય મળે તેની પૂર્ણ ખાત્રી આપેલ છે.
આ બાબતે નાગરિકો દ્વારા વોર્ડ-3 અને ૭ માં ક્લીન્કરના પ્રદુષણથી થયેલ નગરજનોની સ્વાસ્થ્યની જીવલેણ તકલીફો, ઢોર ઢાંખરને થયેલ ખુબજ મોટું નુકશાન, ખેતીનું થયેલ પારાવાર નુકશાન, નાના બાળકો અને વડીલોને પડતી કેટલીયે શ્વાસની તકલીફો અંગે ઉગ્ર રજૂઆત કરેલ હતી અને DRM દ્વારા તેના માટે ઘણી દિલસોજી પાઠવી હતી. જનતાની લાગણીઓનો અવાજ પ્રથમવાર રેલ્વે અધિકારીઓ સુધી સીધો રજૂઆતના સ્વરુપે રજુ થયેલ છે અને તેઓ આ સચ્ચાઈથી અચંબિત થઇ ગયા હતા. નગરજનોનો સર્વેનો જુસ્સો ખુબજ અડગ છે કારણકે આજે સૌ એક છે.