પ્રખ્યાત ગાયક કેકેનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકથી અવસાન
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક કેકેનું નિધન થયું છે. સિંગરે 53 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ, ગાયક કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયો હતો. પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી હતી. ગાયકની તબિયત બગડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગાયકના આકસ્મિક નિધનથી દરેક લોકો આઘાતમાં છે. મોડી રાત્રે આ સમાચાર બહાર આવતા જ જેણે પણ સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું. કે.કે.ના અવસાનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ સમાચાર સામે આવતાની સાથે જ રમતગમત, મનોરંજન સહિત વિશ્વની ઘણી મોટી હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેમને શોક વ્યક્ત કરી રહી છે.સિંગર કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ છે. ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયકોમાંથી એક કેકેએ પોતાના અવાજમાં ઘણા ગીતો ગાયા છે. 23 ઓગસ્ટ 1970ના રોજ જન્મેલા કેકેએ હિન્દી સિવાય મરાઠી, બંગાળી, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમનો મધુર અવાજ સૌના હૃદયને સ્પર્શી ગયો. કેકેએ તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું અને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના સમર્થનમાં ‘જોશ ઓફ ઈન્ડિયા’ ગીત ગાયું હતું. કેકેએ સંગીત આલ્બમ ‘પાલ’ સાથે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી કેકેએ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી પણ લીધી. જો કે બોલિવૂડમાં આવવું તેના નસીબમાં લખ્યું હતું. આવી સ્થિતિમાં તેણે અધવચ્ચે જ નોકરી છોડી દીધી અને મનોરંજનની દુનિયામાં નામ કમાવવા માટે બોલીવુડમાં એન્ટ્રી કરી. કેકેને ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ના ગીત ‘ટડપ તડપ’થી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ગીત પછી તેની ગણતરી મોટા ગાયકોમાં થવા લાગી. તેમના મુખ્ય ગીતોમાં ‘યારોં’, ‘પલ’, ‘કોઈ કહેતા રહે’, ‘મૈંને દિલ સે કહા’, ‘આવારાપન બંજારાપન’, ‘દસ બહાને’, ‘અજબ સી’, ‘ખુદા જાને’ અને ‘દિલ ઇબાદત’ ‘તુ હી મેરી શબ હૈ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.