ગુજરાત

નર્મદા જિલ્લા પોલીસે ઝડપ્યું; આંતરરાજ્ય ફેક ડિગ્રી કૌભાંડ

નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું છે. નર્મદા એલ.સી.બી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી મોટી માત્રામાં ફેક ડીગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો. હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટીની રચના કરવાની જાહેરાત કરી છે. રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડિગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

વિગત મુજબ, રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી માં ગત 10/12/2021 ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડિગ્રી સર્ટિફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનું બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો. હિમકરસિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા એલ.સી.બી પી આઈ એ.એમ.પટેલ સહિત એમની ટીમ ફેક વેબસાઇટ બનાવનારની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન એ ફેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીની બેઉલા નંદ રેવ બીસી નંદ (4-એ, નંબર-14, રાજાપુરી રોડ ઉત્તમનગર) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમે દિલ્હી સ્થિતિ એના મકાનમાં રેડ કરી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટ, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનિવર્સિટી તથા સંસ્થાઓના 37 વેબસાઈટ ડોમેઈન જપ્ત કર્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે આ મામલે જણાવ્યું હતું કે, આ ફેક ડીગ્રી કૌભાંડમાં દેશના અલગ અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટ્સ સામેલ છે. દેશના હજારો લોકોએ આ ટોળકીઓ પાસેથી ફેક ડીગ્રી-માર્કશીટ લીધી હશે એવું અમારું માનવું છે.કઈ યુનિવર્સીટી માંથી કઈ ડિગ્રી જોઈએ છે એ મુજબ તેઓ પૈસા લેતા હતા. બી.એથી લઈને પીએચડી સુધીની ડીગ્રીના 20 હજારથી લઈને 4 લાખ સુધીનો ભાવ હતો, ગ્રાહક કેવો છે એની પર પણ એ લોકો ભાવ વધ ઘટ કરતા હતા.ખાસ કરીને જેને વિદેશ જવું હોય એ જ લોકોને ફેક ડીગ્રી આ લોકો વેચતા હતા. આ કૌભાંડમાં 31 એજન્ટ્સ સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, અમે જુદી જુદી ટીમ બનાવી 31 એજન્ટ્સની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.

ડો. હિમકર સિંહે જણાવ્યું હતું કે આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસ.આઈ.ટીની રચના કરવામાં આવશે.એસ.આઈ.ટીના અધ્યક્ષ તરીકે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાત હશે જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલ.સી.બી પી.આઈ સહિત અન્ય અધિકારીઓને મુકાશે. આ ફેક ડીગ્રીના વેરિફિકેશન માટે જુદી જુદી યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે. રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી ડિગ્રીનો પણ સોદો થયો હતો પરંતુ કોઈ લેવા આવ્યું નહોતું. આ 35 યુનીવર્સીટીઓ પૈકી અમુક યુનિવર્સિટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહિત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનીવર્સીટીની ડીગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે. આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સીટી પર વેરિફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટ ડિગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા. રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે.

ડો. હિમકર સિંહે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં પકડાયેલી મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદ મૂળ છત્તીસગઢની રહેવાસી છે. ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે, છેલ્લા 10 વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીસમાં નોકરી કરી છે, એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ નોકરી કરી છે પરંતુ 2020 થી એ ફેક ડીગ્રી વેચવાની પ્રવૃતિઓ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x