ગુજરાત કોંગ્રેસનો નવો પ્લાનઃ પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી અને અનુસૂચિત જાતિના 4 નેતાઓને આપશે આ મોટી તક
ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ ગુજરાતમાં 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરશે. ગુજરાત કોંગ્રેસ આગામી વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં તમામ સમાજોને સાધવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે અલગ-અલગ સમાજો માટે કોંગ્રેસ દ્વારા નવી રણનીતિ પણ બનાવવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતમાં 4 કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરશે. જેમાં પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી અને અનુસૂચિત જાતિના લોકોને કોંગ્રેસ તક આપશે. કોંગ્રેસ અનુસૂચિત જાતિમાંથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવશે તો પાટીદાર સમાજમાંથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે. જ્યારે ક્ષત્રિયમાંથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ તરીકે તક અપાશે. તો લઘુમતીમાંથી યુનુસ પટેલને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે. જો કે, આ મુદ્દે કોંગ્રેસ આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે.
કોંગ્રેસ પાટીદાર, ક્ષત્રિય, લઘુમતી અને અનુસૂચિત જાતિના લોકોને તક આપશે
- અનુસૂચિત જાતિમાંથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
- પાટીદાર સમાજમાંથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ
- ક્ષત્રિયમાંથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
- લઘુમતીમાંથી યુનુસ પટેલનેકોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે
બીજી બાજુ હિન્દુત્વની છબી ઉભી કરવા કોંગ્રેસ ગુજરાતમાં કરશે ભાગવત અને રામકથા
બીજી બાજુ છેલ્લાં 25 વર્ષથી હારનો સામનો કરી રહેલ કોંગ્રેસ હવે 2022માં ભાજપના રસ્તે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને મહાનગરોમાં હિન્દુવાદી છાપ ઊભી કરવા માટે કોંગ્રેસ નવી રણનીતિ સાથે નવા પ્લાન ઘડ્યા છે.
હિન્દુઓ સુધી પહોંચવાની કોંગ્રેસની રણનીતિ
કેસરિયો શબ્દ સાંભળતા ભાજપનો કેસરિયો ખેસ ન સમજી લેતા.અહીં અમે હિન્દુત્વનું પ્રતિક ગણાતા કેસરિયા રંગની વાત કરી રહ્યા છીએ.જે કેસરિયા સાથે આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ મહાનગરોમાં ફરતા જોવા મળશે.કારણ કે, વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે રચનાત્મક કાર્યક્રમો યોજવા પર ભાર મુક્યો છે.જેમાં અમદાવાદ જેવા શહેરોમા કે જ્યાં કોંગ્રેસને હિન્દુત્વના મુદ્દે નુકસાન થઇ રહ્યું છે, ત્યાં બહુમતી મતદાતાઓને લોભાવી શકાય તેવા મુદ્દાઓને લઇને લોકો સુધી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય હેઠળ જ કોંગ્રેસે અમદાવાદમાં રામકથા, શિવપૂજા, ગણેશ ઉત્સવ અને નવરાત્રીના આયોજનો કરવાનું નક્કી કર્યું છે.
ભાજપના રસ્તે ચાલવાથી મળશે હિન્દુ મત?
મહત્વનું છે કે, અમદાવાદ જેવા શહેરોમાં હિંદુ-મુસ્લિમ ફેક્ટર ચૂંટણી પરિણામો પર ખુબ મોટી અસર કરે છે, ત્યારે કોંગ્રેસ પોતાની છાપ સુધારવાનો પ્રયત્ન રામકથા સહિતના હિંદુ કાર્યક્રમોનું આયોજન કરશે.આવા પ્રયત્નો કરવાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.કારણ કે, ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં ફરતા જોવા મળ્યા હતા.અને તેનો ફાયદો કોંગ્રેસને મહદઅંશે થયો હતો.