ગાંધીનગર જિલ્લામાં 7 દિવસ સુધી વિવિધ વિષયો પર યોગ સપ્તાહની ઉજવણી કરવામા આવશે
સમગ્ર વિશ્વમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે દેશ અને ગુજરાત રાજ્યમાં પણ આ ખાસ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષ 21મી જૂનના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે યોગ દિવસની ઉજવણી ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા આયુર્વેદ અધિકારીએ આપેલી જાણકારી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં યોગ દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે 13 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 4 આયુર્વેદ અને 7 હોમિયોપેથી દવાખાના કુલ મળીને 24 જેટલા સેન્ટર ખાતે 14મી જૂનને મંગળવારના રોજથી યોગ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોગ સપ્તાહની ઉજવણી 7 દિવસ અલગ અલગ વિષયને અનુલક્ષી યોગ શિબિરો જિલ્લાના વિવિધ આયુર્વેદ તથા હોમિયોપેથી દવાખાનાઓમાં ચલાવવામાં આવશે. કુલ 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહ અંતર્ગત યોગનું જીવનમાં મહત્વ અને તેના ફાયદાઓ વિષે સમજણ આપવામાં આવશે.
આ યોગ સપ્તાહની ઉજવણી 7 દિવસ અલગ અલગ વિષયને અનુલક્ષીને કરવામાં આવશે. જેમાં
આજે 15મી જૂનને બુધવારના રોજ ‘શ્વસન તંત્ર માં યોગનું મહત્વ’,
તા. 16મી જૂનને ગુરુવારના રોજ ‘ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ,
તા. 17મી જૂનને શુક્રવારના રોજ ‘પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’,
તા. 18મી જૂનને શનિવારના રોજ ‘સંધાના દુખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ’,
તા. 19મી જૂનને રવિવારના રોજ ‘ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ’ અને
તા.20મી જૂનને સોમવારના રોજ ‘માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ’ જેવી સ્વાસ્થ્ય વિષયક થીમ પર યોગ શિબિરો યોજાશે. જેમાં જિલ્લાના નાગરિકોને તેમની નજીકની યોગ શિબિરમાં સહભાગી બનવા માટે પણ અનુરોધ કર્યો છે. જયારે 21મી જૂનને મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.