આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, ગાંધીનગર સહિત રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે. જેને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. અને સાથે સાથેવરસાદ અને તકેદારી માટે બેઠકોનો દૌર શરુ થઇ ગયો છે. ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક મળી હતી. જેમાં IMDના અઘિકારી એમ. મોહંતીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે, તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.
રાહત નિયામકે બેઠકમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં પડેલા વરસાદની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. ૧૪/૦૬/૨૦૨૨ અંતિત ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા. ૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વઘુ વાવેતર થયું છે.