કુડાસણના સિટી સ્કેવર માર્ટમાં નોકરી કરતા કર્મચારીઓના ૭ મોબાઇલની ચોરી
કુડાસણ ખાતે આવેલ સિટી સ્ક્વેર મોલ માં નોકરી કરતા કર્મચારીઓ રાત્રીના સમયે કુડાસણમાં આવેલ નવયુગ સ્કુલના ધાબા પર સુતેલા હતા ત્યારે કોઈ અજાણ્યો તસ્કર આવી સાત લોકોના મોબાઇલ ચોરી કરી પલાયન થઇ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શક્યતા છે. આ મામલે સિટી સ્કેવર માર્ટમાં ફરજ બજાવતા કોજેખાન સુગનેખાન (રહે. રાજસ્થાન) એ અજાણ્યા તસ્કરો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ કુડાસણ ખાતે આવેલા જીગ્નેશ અમરતભાઇ પટેલના સિટી સ્ક્વેર માર્ટમાં ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે સાડા અગિયાર કલાકે મોલનુ કામ પુર્ણ કરીને તેઓ અને અન્ય સાથીઓ બાજુમાં આવેલ નવયુગ સ્કુલના ધાબા પર સુતા હતા. સવારે જાગ્યા ત્યારે તેઓના સાત વ્યક્તિઓના મોબાઇલ ગાયબ હતા. આસપાસ તપાસ કરતા મોબાઇલ મળી આવ્યા નહતા. ચોરાયેલા સાત મોબાઇલની કિંમત સાડા પંદર હજાર જેટલી થવા જાય છે.
આ મામલે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે મોલમાં કામ કરતાં કેટલાક કર્મચારીઓના નિવેદન લીધા છે. ઘટના પાછળ અંદરનો જ કોઈ વ્યક્તિ હોવાની અથવા કોઈ જાણભેદું હોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે.