ગુજરાત ભાજપે સદસ્યતા અભિયાન ૨૦૨૨ની કરી શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપે સદસ્યતા અભિયાન 2022ની શરૂઆત કરી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે ગુરુવારે ગાંધીનગરમાં તેના રાજ્ય મુખ્યાલય શ્રી કમલમ ખાતેથી પાર્ટીના સભ્યપદ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન 17મી જુલાઈ સુધી ચાલવાનું છે. ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આ પ્રાથમિક સદસ્યતા અભિયાન 16થી 17 જુલાઈ એમ એક મહિનો ચાલશે.
જ્યારે 16થી 23 જૂન દરમિયાન પેજ સમિતિના સભ્યોને પ્રાથમિક સદસ્યો બનાવવાનું અભિયાન ચાલશે. તો 23થી 30 જૂન દરમિયાન વિવિધ મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવશે. આ ઉપરાંત 1થી 10 જુલાઈ દરમિયાન વિવિધ સેલ તેમ જ વિભાગ દ્વારા આ અભિયાન કરવામાં આવશે. સાથે જ 10થી 17 જુલાઈ દરમિયાન વિવિધ મોરચાના વિસ્તારક યોજના થકી આ અભિયાન કરવામાં આવશે. ભાજપના જણાવ્યા મુજબ, પાર્ટીના રાજ્યમાં હાલમાં 1.13 કરોડ સભ્યો છે અને તે અભિયાન દ્વારા સંખ્યા વધારવાનું લક્ષ્ય ધરાવે છે જેમાં રાજ્યભરના 50,000 થી વધુ બૂથમાં કાર્યકરોની નોંધણી થવાની અપેક્ષા છે.
ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સદસ્ય બનવા માટે 3 લાખથી વધુ QR code સ્ટીકર સમગ્ર ગુજરાત રાજ્યમાં લગાવવામાં આવશે. વ્યક્તિ તેને સ્કેન કર્યા પછી સભ્ય નોંધણી લિંક મેળવી શકશે. આ ઉપરાંત 78 78 182 182 નંબર પર મિસ્ડ કોલ મારતા જોડાવા માંગતા વ્યક્તિને મેસેજ આવશે જેમાં એક લિંક આવશે. તેના દ્વારા વ્યક્તિ સદસ્યતા અભિયાનમાં જોડાઈ શકાશે. તે વ્યક્તિનું ઓનલાઈન ડિજિટલ આઈકાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે.