ગાંધીનગરનું સેક્ટર 30 પહેલા જ વરસાદમાં બન્યું કીચડનગર
રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. અને સાથે કાદવ અને કીચડ પણ હવે સામે આવી રહ્યા છે. ગાંધીનગરનું સેક્ટર 30 પહેલા વરસાદમાં કીચડનગર બન્યું. ઠેર ઠેર ગંદકી અને કાદવ જોવા મળ્યો. વાહન ચાલકો અને તેમાં પણ ખાસ કરીને દ્વિ ચક્રી વાહન ચલાવવું સેક્ટર 30 માં એક મુસીબત ભરી બાબત બની ગઈ છે. સેક્ટર 30 માં ઠેર ઠેર પાણી ભરાયા છે. અને કાદવના કારણે દ્વિ ચક્રી વાહન સ્લીપ થઈ જવાનો સતત ડર રહે છે.
સેક્ટર 30નો હાલ કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં કાદવના ભોરિંગ ન હોય. રાહદારીઓ માટે પણ રસ્તો રહ્યો નથી સડક પર ચાલનારા લોકોના કપડાં પર પણ કાદવ ચોંટે છે. જે લોકો ઘરમાં છે તે લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી અને જે લોકો સેક્ટર 30ની બહાર છે તે લોકો સેક્ટર 30માં પ્રવેશી શકતાં નથી.
હવામાન ખાતાએ પહેલેથી જ આગાહી કરી દીધી હતી તો પછી કોર્પોરેશને વરસાદના પાંચ દિવસ પહેલા આટલાં મોટા સ્તર પર સેક્ટર 30 માં ખોદકામ કેવી રીતે કરાવ્યું. કોર્પોરેશન અને કોન્ટ્રાકટરોની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.