રાજ્યનો વિકાસ કરવો હોય તો સરકારે કોઈપણ જાતના ભેદભાવ વગર ગરીબોને મદદ કરવી જોઈએ: સી.કે.પટેલ
અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સહિત બિન અનામત વર્ગને આપેલા વચનોની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સી.કે.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ કરવો હોય તો કોઈ પણ જાતિમાં પડ્યા વિના ગરીબોને મદદ કરે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. બેઠક બાદ સરકારે પાટીદાર સમાજ સહિત બિનઅનામત વર્ગને આપેલા વચનો પૂર્ણ કરવાની ચીમકી આપી હતી.
આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ જમના પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ વચનો પુરા કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ધંધા માટે કેટલી લોન આપવામાં આવી, મદદ મેળવવાની આવક મર્યાદા, સામાજિક, ખેતી વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પાસના આંદોલન દરમિયાનનો મામલો પણ ગંભીર રીતે ચર્ચાયો હતો. પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાનું નામ વર્લ્ડ પાટીદાર ફેડરેશન રાખવાનો નિર્ણય લેવાયો છે.