બોરસદમાં જળબંબાકાર: ઘરવખરી ડૂબી જતા લાખોનું નુકસાન, 39 પશુના મોત
ગુજરાતમાં હવે વિધિવત ચોમાસું બેસી ગયું છે એમ માની લો તો પણ જરાય ખોટું નથી. આણંદ જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો. અને આ વરસાદે આણંદને ઘમરોળીને રાખી દીધું. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બોરસદમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ.
ગાજ વીજ અને તોફાની પવન સાથે બોરસદમાં માત્ર 4 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો. વરસાદ બાદ બોરસદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેમ ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. તો આ તોફાની વરસાદમાં આણંદમાં 11 જેટલા પશુના પણ મૃત્યુ નિપજ્યા છે.
બોરસદમાં વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.. 4 કલાકમાં 11 ઈંચ વરસાદ વરસી જતાં બોરસદ પાણી પાણી થઈ ગયું હતું.. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ધોધમાર પડેલા આ વરસાદના કારણે લોકોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.. ન તો કોઈ રોડ દેખાતો હતો કે ન તો કોઈ ખેતર.. પેટ્રોલ પંપમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાહનચાલકો પણ દ્વિધામાં પડયા હતા કે પાણી ભરાયેલા આ માર્ગમાં વાહન કઈ રીતે ચલાવવું. આણંદમાં બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોરસદની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. કેટલાક સ્થળોએ તંત્રની બચાવ કામગીરી પણ પહોંચી હતી.અને પાણીમાં ફસાયેલા લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા.
બોરસદના વહેરા ગામમાં વરસાદના કારણે દિવાલ પડી ગઈ હતી. પ્રથમ વરસાદમાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. બોરસદનો વનતળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અહીં રહેતા 100 પરિવારની માલ મિલકત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.