ગાંધીનગરગુજરાત

અમુક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નહી હોવાનો શિક્ષક સંઘનો આક્ષેપ

કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને 20 દિવસ થઇ ગયા છે. તેમ છતાં અમુક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નહી તેવા આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવશે કે નહી તેવો પણ પ્રશ્ન કર્યો છે. કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પણ સંપૂર્ણ આવી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવાની યોજના શરૂ કરી છે.

તેના માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં જ એટલે કે ઉનાળા વેકેશનમાં જ સરકારી પ્રાથમિક શાળાઓમાં મફત પાઠ્ય પુસ્તકો પહોંચતા કરવામાં આવે છે. આથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહેવાથી શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડે નહી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું છે કે ચાલુ વર્ષે શાળામાં શૈક્ષણિક સત્ર ચાલુ થયાને વીસેક દિવસ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી રાજ્યના અમુક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં પાઠ્ય પુસ્તકો પહોંચ્યા નથી. આથી આવી શાળાઓના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડી રહી છે. જ્યારે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું હોવાથી બાકી રહેલી શાળાઓમાં તાત્કાલિક અસરથી પાઠ્ય પુસ્તકો પહોંચતા કરવાની માંગણી કરી છે.

ઉપરાંત વિદ્યાર્થીઓને સઘન અભ્યાસ માટે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવે છે. તો ચાલુ વર્ષે સ્વાધ્યાય પોથીઓ વિદ્યાર્થીઓને ઝડપથી મળી જાય તેવું આયોજન કરવાની માંગણી સાથે સંઘે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના નિયામકને લેખિત રજુઆત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x