ગાંધીનગરગુજરાત

ભાજપના બેટી બટાવ-બેટી પઢાવના નારાની અસલીયત ઉજાગર કરતાં શ્રી પરેશ ધાનાણી

ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્‍કર્મ, જાતીય સતામણી અને અત્‍યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે. આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે, ત્‍યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યું હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહરણ થઈ રહ્યું છે અને આબરૂ લૂંટાઈ રહી છે ત્‍યારે સત્તાધારી પક્ષનું ભેદી મૌન અકળાવનારું બની ગયું છે.

મહિલાઓની વસતી ઘટી, બેટી બચાવો નિષ્ફળ

2001ની વસ્‍તી ગણતરીના આંકડા મુજબ, ગુજરાતમાં 1000 પુરુષોએ મહિલાઓની સંખ્‍યા 921 હતી, તે 2011માં ઘટીને 918ની થઈ છે જે સ્‍ત્રીઓની સંખ્‍યામાં ૩નો ઘટાડો દર્શાવે છે. જયારે ભારતમાં 933 થી વધીને 940 છે. જે બતાવે છે કે દીકરીઓ જન્‍મ લેતા પણ ડરે છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્‍લાં ઘણા વર્ષોથી બેટી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે, ત્‍યારે સ્‍ત્રીઓની સંખ્‍યામાં ઘટાડો રાજ્ય સરકારની નિષ્‍ફળતા દર્શાવે છે.

મહિલા સુરક્ષા સમિતિની બેઠક મળી

મહિલાઓ ઉપર થતાં અત્‍યાચારો રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્‍યક્ષ પદે મુખ્‍યપ્રધાન છે છતાં ભૂતકાળમાં ત્રણ-ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળેલી ન હતી. મુખ્‍યપ્રધાનને મહિલાઓ પર થતાં અત્‍યાચારના બનાવો બાબતે સુરક્ષા સમિતિની બેઠકો બોલાવી ચર્ચા કરવા કે પગલાં લેવામાં રસ નથી. રાજ્યમાં મહિલાઓની સલામતી, આરોગ્ય, સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે સરકાર ગંભીર ન હોય તેવું સરકારી આંકડાઓ જોતાં લાગી રહ્યું છે.

બળાત્કાર અને ગુમ થવાની ઘટનાઓ વધી

ગુજરાત સરકારના સલામત ગુજરાતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાસો રાજ્યમાં બનતી બળાત્કારની ઘટનાઓ પરથી થાય છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1,887 બળાત્‍કારની ઘટનાઓ બની છે, એટલે કે દર બે દિવસે પાંચથી વધુ મહિલાઓ બળાત્‍કારનો ભોગ બને છે. મહિલાઓના ગુમ થવાનો આંકડો અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક છે. છેલ્લા બે વર્ષમાં રોજની 18 લેખે કુલ 13,574 મહિલાઓ ગુમ થઈ છે. જે ઘટનાઓ રોજે રોજ વધી છે.

નલિયા ભાજપમાં 35 યુવતિઓનું યૌન શોષણ, જજ દ્વારા તપાસકરો

સુરતની યુવતીના શોષણ અને નલિયાના દુષ્કર્મકાંડથી ગુજરાત અને દેશની ગુજરાત સરકારની ચાલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લા પડી ગયા છે. સત્તાધારી પાર્ટીએ બહેન-દીકરીઓની આબરુને લીલામ કરવા માટે પાર્ટીના નામની મર્યાદા રાખી નથી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કે જેઓ પવિત્ર અને બ્રહ્મચારી હતા તેઓના ફોટા સાથે સ્ત્રી કાર્યકર્તાઓના ફોટા મૂકીને ઓળખપત્ર બનાવ્યા અને તેનો દૂરુપયોગ કરવામાં આવ્યો હતો. નલિયા સેક્સકાંડનું ષડયંત્ર એક વર્ષ ચાલતું રહ્યું હતું. તેમાં ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, સંસદસભ્ય, નગરપાલિકાના સેવકો, મોટા આગેવાનો સામેલ હતા.

આ શરમજનક ઘટનામાં અત્યંત આઘાતજનક બાબત એ છે કે 35થી વધુ યુવતીઓનું યૌન શોષણ થયું હતું. સમગ્ર દુષ્કર્મમાં કોડવર્ડ તરીકે ઉપયોગમાં લેવાયેલા સત્તાધારી રાજકીય પાર્ટીના ઓળખપત્રનો ખુલ્લેઆમ દૂરુપયોગ થયો હતો. ગુજરાતની જનતા અને ખાસ કરીને મહિલાઓ ખૂબ જ સંસ્કારીતા ધરાવે છે ત્યારે જાહેરજીવનમાં મહિલાઓ આવે અને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ અને બેટી બચાવોની વાતો વચ્‍ચે મહિલાઓનું શોષણ થાય તે અત્યંત ગંભીર બાબત છે. શું આ ભાજપનું બેટી બચાવ અભિયાન છે? નલિયા દુષ્કર્મકાંડમાં પીડિત મહિલાઓને સંપૂર્ણ ન્યાય મળે તે માટે હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ, તો જ પીડીતાઓને ન્યાય મળશે. સરકાર દ્વારા જનતાનો ભરોસો કાયમ રહે તેવા કોઈ નક્કર પગલાંઓ લેવામાં આવ્‍યા નથી.

રક્ષક ભક્ષક બની ગયા

આજે ભાજપના શાસનમાં ગુજરાતમાં બહેન-દીકરીઓની કોઈ સલામતી રહી નથી. કચ્છને પર્યટન સ્થળ બનાવી, તંબુઓ બાંધી, સેકસ લીલાઓ થાય છે અને નિર્દોષ છોકરીઓની આબરૂ લેવાય છે. ભાજપના જે-તે વખતના ગૃહમંત્રી કે જેમની જવાબદારી બહેન-દીકરીની રક્ષા કરવાની અને સલામતીની છે, તેઓ જ પોલીસ ખાતા દ્વારા જાસૂસી કરાવે અને કહે કે, સાહેબ ઈચ્છે છે કે, આ છોકરી ક્યાં જાય છે? શું કરે છે? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો. આ સાહેબ એટલે કોણ? આમ, વાડ જ ચીભડાં ગળે કે રક્ષક જ ભક્ષક બને એવી પરિસ્થિતિ આજે ગુજરાતમાં ઉભી થઈ છે. ગુજરાત વિધાનસભાના ભાજપના ધારાસભ્યો પર વિધાનસભા ગૃહમાં અશ્લીલ વીડિયો જોવાનો આરોપ હતો તેવા લોકોને નલિયાકાંડની તપાસ સમિતિમાં મૂકવામાં આવ્યા હોય એવાઓના નામ પણ નલિયાકાંડમાં ખુલ્યા છે. સંઘના પ્રચારક સંજય જોષીની બિભત્સ સીડી બનાવીને ભાજપમાં તેમની આબરૂ લેવાનો પ્રયત્ન થાય.

ભાનુશાળીને પોલીસ કેમ પકડતી નથી

સુરત શહેરના ભાજપના પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર અશ્લીલ ફિલ્મ અપલોડ કરે. રાજ્યમાં બનેલ બનાવોથી માત્ર કચ્છ, સુરત, પાટણ, ભાવનગર કે વિરમગામની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓનું અપમાન થયું છે. સુરતની યુવતીને એડમીશન અપાવવાના બહાને અમદાવાદમાં બોલાવી ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્‍ય જયંતિ ભાનુશાળીએ બળાત્‍કાર ગુજારેલ અને ત્‍યારબાદ મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ સુરત પોલીસે નોંધવાની પણ ના પાડેલ ત્‍યારે આ મુદ્દે મીડીયા અને સમગ્ર સમાજે પોલીસ પર દબાણ વધાર્યું ત્યારે પોલીસે ફરીયાદ નોંધી. આતંકવાદીઓના ખિસ્સામાંથી ચિઠ્ઠી શોધી કાઢનારી, સુરતમાં ઝાડ ઉપરથી બોમ્બ શોધી કાઢનારી ગુજરાતની બાહોશ પોલીસ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય અને ઉપાધ્યક્ષને પકડી શકતી નથી.

અનેક બનાવોમાં ભાજપના નેતાઓનું નામ

આ જ રીતે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય આદિવાસી મહિલાએ તેમના પતિ સાથે આવીને કબુલ્યું હતું કે, ભાજપવાળાઓએ તેમના ઉપર બળાત્કાર કર્યો છે. સ્થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમના પિયરમાં જઈ ફરિયાદ કરવી પડેલી. વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્યકત કરતાં જણાવેલ કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્કાર ગુજાર્યો છે.

કલેકટર કે પોલીસ તંત્રએ આ તમારો વ્યકિતગત મામલો છે એમ કહી કાઢી મુકેલ અને ફરિયાદ ન લીધી. રાજુલામાં પણ એક કોળી કન્યાને નિર્વસ્ત્ર કરી કુવામાં નાંખી દેવાનો બનાવ ભાજપની સરકારમાં બનેલો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીએ જાહેરમાં મહિલાની છેડતી કરી હતી. કચ્છમાં ડૉકટર દ્વારા એક મહિલા ઉપર બળાત્કાર થાય છે ત્યારે રાજ્યના મુખિયા તરીકે મહિલા સુક્ષા અંગે કેટલાક સવાલો ઉભા થાય છે.

મુખ્યપ્રધાન જવાબ આપે

  • રાજ્યમાં શા માટે મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં સામેલ લોકોમાંથી માત્ર ૩ ટકા લોકોને જ સજા થાય છે?
  • રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરત મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ટોચના દસ શહેરોમાં સામેલ છે?
  • શા માટે નલિયાકાંડ અને સુરતની પીડીતા સાથે આચરેલ દુષ્‍કર્મના આરોપીઓને પકડીને સજા કરવામાં આવતી નથી?
  • રાજ્યમાં શા માટે ગુજરાત માનવ તસ્‍કરીમાં ત્રીજા ક્રમે, મહિલાઓ પર એસિડ એટેકમાં પાંચમા ક્રમે, નાબાલિક બાળાઓ પર બળાત્‍કારના કિસ્‍સાઓમાં સમગ્ર દેશમાં દસમા ક્રમે છે?
  • શા માટે કન્‍યા કેળવણીમાં ગુજરાત 20મા ક્રમે છે?
  • શા માટે કન્‍યા શાળા પ્રવેશ દર રાષ્‍ટ્રીય સરેરાશ 23.5ની સામે ગુજરાતમાં માત્ર 20.5 છે?
  • શા માટે માતા મૃત્‍યુ દર ઘટાડવામાં દેશમાં 15 રાજ્યોમાંથી ગુજરાત 11મા સ્‍થાને છે?
  • શા માટે રાજ્યમાં મહિલા સાક્ષરતા દર 70.73 ટકાથી ઘટીને 57.81 ટકા થઈ ગયો?
  • શા માટે રાજ્યમાં 55 ટકા મહિલાઓ કુપોષિત છે?
  • શા માટે આશા-વર્કર, આંગણવાડી બહેનોને કામના પ્રમાણમાં નજીવું વેતન આપીને શોષણ કરવામાં આવે છે?
  • શા માટે આશા-વર્કર, આંગણવાડી બહેનોને ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમોમાં મેદની એકઠી કરવા અને હાજર રહેવાનું રાજકીય ફરમાન કરવામાં આવે છે?

રાજ્યમાં મહિલાઓ પર બનતાં બળાત્‍કાર અને અત્‍યાચારોની ઘટનાઓ નિવારવા માટે ચર્ચિત દુષ્‍કર્મના કેસોમાં દાખલારૂપ પગલાંઓ લઈ જવાબદારો સામે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x