પ્રથમ દિવસે આઠ હજાર જેટલા લાભાર્થીઓને ૧૨૫ કેન્દ્રો પરથી વિનામુલ્યે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો
ગાંધીનગર જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપર અને ૫૯ વર્ષની વય ઘરાવતા વ્યક્તિઓને કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિના મૂલ્યે આપવાનો આરંભ થયો છે. ૭૫ દિવસ સુઘી સતત ચાલનાર પ્રિકોશન ડોઝ અભિયાનમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૭ લાખથી વઘુ નાગરિકોને પ્રિકોશન ડોઝ અપાવામાં આવશે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર લાખથી વઘુ નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮૯૦ અને જિલ્લામાં ૫ હજાર જેટલા નાગરિકોને કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત રાજયમાં ૧૮ વર્ષથી ઉપર અને ૫૯ વર્ષની વય ઘરાવતા નાગરિકોને કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવનાર છે.
આ ૭૫ દિવસીય અભિયાન રાજયવ્યાપી અભિયાનનો આરંભ રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગરના સેકટર-૨૪ અર્બન હેલ્થ સેન્ટરથી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજયના આરોગ્ય મંત્રી ષિકેશ પટેલ અને આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં કોવિડ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના અભિયાનનો આરંભ પ્રાંતિયા ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો.
જિલ્લાના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી સેન્ટર ખાતે આ પ્રિકોશન ડોઝ વિનામૂલ્ય આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાના ૭,૪૨,૨૪૫ જેટલા નાગરિકોને આવરી લેવામાં આવશે.ગાંધીનગર મહાનગરપાલિકામાં ૭૫ દિવસ સુઘી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને વિના મૂલ્યે પ્રિકોશન ડોઝ સિવીલ હોસ્પિટલ, સેકટર- ૨, ૨૪, ૨૯, પાલજ, પેથાપુર અને સુઘડ હેલ્થ સેન્ટર ખાતેથી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના ૨.૩૨ લાખ જેટલા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.