લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 13 બેઠકો મળી શકે તેમ છે, ભાજપ ‘નો રિપીટ થિયરી’ પર કેેેમ છે ગંભીર, જાણો વધુ…
ગાંધીનગર :
ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણીમાં ‘નો રિપીટ થિયરી’ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બેઠકોમાં ઉમેદવારો બદલાય તેવી સંભાવના છે જેમાં પરફોર્મન્સ અને આરોગ્ય સહિતની બાબતો ચકાસવામાં આવી છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે લોકસભાની 2019 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જોઇને આશ્ચર્ય થશે, કેમ કે 26 પૈકી 17 ઉમેદવારોને બદલવામાં આવી રહ્યાં છે. પાર્ટી નવા ચહેરાને તક આપે તેવી સંભાવના છે. વિધાનસભાની બેઠકોમાં થયેલા ઘટાડા પછી ભાજપે આ દિશામાં કાર્યવાહી કરી છે. બેઠક પ્રમાણે જે નેતાઓને જવાબદારી આપવામાં આવી છે તેમાં કોઇપણ જાતના પૂર્વગ્રહ વિના રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. ભાજપ માટે ઉજળી બેઠકો માત્ર શહેરી વિસ્તારોમાં અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં છે. સૌરાષ્ટ્રના શહેરોમાં સ્થિતિ વિકટ છે. હાલના ઉમેદવારો ચૂંટણી જીતી શકે તેમ નથી તેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોંગ્રેસે મેળવેલી તાલુકા અને જિલ્લા પંચાયતો ભાજપના નેતાઓ તોડી રહ્યાં છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 13 બેઠકો મળી શકે તેમ છે તેવા રિપોર્ટના આધારે કોંગ્રેસની જ્યાં જ્યાં સત્તા છે તે સ્થાનિક બોડીમાં ભાજપનો પગપેસારો કરવાની સૂચના આપવામાં આવી છે. ભાજપના હાલના 26 સંસદસભ્યો પૈકી પોરબંદરના વિઠ્ઠલ રાદડિયા, પાટણના લીલાધર વાઘેલા અને પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણને તો ટિકિટ મળવાની નથી. ભાજપ જ્યાં ‘નો રિપીટ થિયરી’ વિચારી રહ્યું છે તેમાં કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખેડા, પંચમહાલ, વલસાડ, આણંદ અને વડોદરાનો સમાવેશ થાય છે.