મોંઘવારી: ભારે વરસાદને કારણે બજારમાં શાકભાજીના ભાવમાં 15થી 17 ટકાનો વધારો થયો
હાલમાં મોટાભાગના શાકભાજી જેમ કે ગુવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી 100 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.સામાન્ય રીતે ચોમાસામાં વેલા શાકભાજીની આવક વધુ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં 30 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે બજારમાં શાકભાજીના ભાવમાં 15-17 ટકાનો વધારો થયો છે. આ વધારો છેલ્લા 15 દિવસમાં નોંધવામાં આવ્યો છે.
જો કે, આગામી 15-20 દિવસ બાદ જો સામાન્ય વરસાદ થશે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે તેમ એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે વ્યક્ત કર્યું છે. હાલમાં મોટાભાગના શાકભાજી જેવા કે ગુવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી 100 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ગવાર, ચોલી, ભીંડા જે પહેલા 60-80 રૂપિયા પ્રતિ કિલો હતા તે હવે 100-120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ફણસી પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 120 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે વટાણા પહેલા 120 રૂપિયા પ્રતિ કિલો હતા જે હવે 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સિમલા મરચાં અને ટીંડોળા પહેલા 40-60 રૂપિયા પ્રતિ કિલો હતા જે હવે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
આદુ,લીલા મરચા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા, જે પહેલા 50-60 રૂપિયા પ્રતિ કિલો હતા. જોકે ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલો હતો જે હવે 40 રૂપિયા પ્રતિ કિલો છે. વધતા જતા ભાવ સામે ગ્રાહકોના બજેટને અસર થઈ રહી છે. શાકભાજીની ખરીદી કરવા આવનાર દરેક લોકો વધતા ભાવથી પરેશાન છે.