ખાવાના શોખીનો ચેતજો! અમદાવાદના દાસ ખમણની ચટણીમાંથી નીકળ્યું જીવડું
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ચેકિંગ બાબતે નિષ્ફળતાના કારણે અમદાવાદીઓના આરોગ્ય પર જોખમ છે. શહેરના જાણીતા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનમાંથી પણ હવે જીવડા નીકળવાની શરૂઆત થઇ છે. અમદાવાદમાં કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં દર મહિને જમવામાં અથવા ઓર્ડર કરીને પાર્સલ મગાવેલી વસ્તુમાંથી કોઈપણ જીવજંતુ કે ખરાબ વસ્તુ નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટ અને મણિનગર વિસ્તારમાં દાસ ખમણમાંથી જીવડા નીકળવાની ઘટના બની હતી. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મદાવાદમાં રહેતો યુવક રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટમાં પુરી શાક ખાવા ગયો હતો. ત્યારે અથાણામાંથી એક જીવડું નીકળ્યું હતું. આ બાબતે તેણે રેસ્ટોરન્ટના કર્મચારી અને વ્યક્તિનું ધ્યાન દોર્યું ત્યારે વરસાદમાં ઉડીને આવ્યું હશે તેવો જવાબ આપ્યો હતો અને જમવાનું બદલી આપવાની વાત કરી હતી.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર ઉપર આશા પટેલ નામના એક યુઝર દ્વારા મણિનગર વિસ્તારમાં આવેલા દાસ ખમણમાંથી જીવડું નીકળ્યું હોવાનો ફોટો પણ ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી. મ્યનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી તેઓને ફરિયાદ નોંધાવવા માટે એડ્રેસ માંગવામાં આવ્યું હતું જ્યારે ટ્વીટમાં લખ્યું હોવા છતાં પણ આ રીતે માત્ર જવાબ આપી દેવામાં આવ્યો હતો જેથી કોર્પોરેશનની ઓનલાઈન સિસ્ટમની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન જોશીએ જીવડા નીકળવા મામલે જણાવ્યું હતું કે હું આ મામલે તપાસ કરાવું છું.
બીજી વખત કાર્યવાહી મામલે તેઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. અમદાવાદમાં આશરે 5000થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટમાં ફુડ વિભાગના અધિકારીઓ અને હોટલના માલિકો સંચાલકોની ભ્રષ્ટાચારની મિલીભગત છે. જેના કારણે ત્યાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું નથી. માત્ર હોટલ અને રેસ્ટોરન્ટ જ નહીં. નાની મોટી દુકાનો અને લારીઓમાં તો માત્ર વ્યવહાર જ થાય છે. નાની રકમો મેળવી ફુડ ઇન્સ્પેક્ટરો ત્યાં ચેક કરવા જ જતાં નથી. એક મહિના પહેલા શહેરના જીવરાજપાર્ક ઘરમાં રહેતા યુવકે ઝોમેટો એપ્લિકેશન પરથી પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી મારૂતિનંદન રેસ્ટોરેન્ટમાંથી મંગાવેલા ભીંડી મસાલાના શાકમાંથી બીડી નીકળી હતી. પરિવારના લોકો જ્યારે શાક કાઢીને ખાતા હતા ત્યારે અચાનક તેમની નજર પડતા પીધેલી બીડી હતી.
યુવકે હોટલમાં ફોન કરી અને આ બાબતે જ્યારે જાણ કરી ત્યારે ભૂલ થઈ ગઈ એમ કહી બીજો ઓર્ડર આપવા માટે કહ્યું હતું. યુવકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોશનમાં ટ્વીટ કરી અને ફરિયાદ કરી હતી.