ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ ITનો દરોડો
આવકવેરા વિભાગે ટેક્સટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રુપ પર અમદાવાદમાં તવાઈ બોલાવી છે. આઈટી વિભાગે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસમાં દરોડો પાડ્યો છે. આ સાથે જ કંપનીના સંસ્થાપક અને ચેરમેન વેદપ્રકાશ ચિરિપાલ, કંપનીના ડિરેક્ટર્સ- વિશાલ ચિરિપાલ અને રોનક ચિરિપાલ તથા એમડી જ્યોતિપ્રસાદ ચિરિપાલ સાથે સંકળાયેલા અન્ય 35-40 સ્થળોએ પણ દરોડો પાડ્યો છે.
આવકવેરા વિભાગના આશરે 150 જેટલા અધિકારીઓ દરોડાની આ કામગીરીમાં જોડાયા છે. આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં શહેરના પ્રખ્યાત એવા ચિરિપાલ ગ્રુપ પર સપાટો બોલાયો છે. આવકવેરા વિભાગ છેલ્લા ઘણાં સમયથી શહેરમાં સક્રિય બન્યું છે જેના લીધે અમદાવાદના વેપારીઓ તથા બિઝનેસ ગ્રુપ્સમાં ભારે ખળભળાટ મચ્યો છે. ચિરિપાલ ગ્રુપ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ફેબ્રિક્સ ખાતે પણ આઈટીની તપાસ ચાલી રહી છે અને ભારે મોટી કરચોરી, બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા જણાઈ રહી છે.
ચિરિપાલ ગ્રુપનું નામ અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી ચુક્યું છે. થોડા મહિનાઓ પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી યોગીરાજ એસ્ટેટમાંથી સબસિડીવાળા કૃષિ ખાતર, યુરિયાનો જથ્થો ઝડપાયો હતો. તે મામલે પોલીસે ગોડાઉનના માલિક સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તેઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીને પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયાનો જથ્થો સપ્લાય કરતા હતા.