ગુજરાતવેપાર

અમૂલ હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સૂચનને ધ્યાનમાં લઈને અમૂલ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહન પૂરું પાડવાની નવીનતમ પહેલ શરૂ કરેલ છે. જેના અંતર્ગત ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને બજાર સાથેનું જોડાણ તથા ટેક્નિકલ સહાય આપવા “અમૂલ” બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરવાની કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ઓર્ગેનિક શાકભાજી અને ફળો પણ બજારમાં મૂકવામાં આવશે. એમ અમૂલ-ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું.

 અમૂલ-ફેડરેશનના વાઇસ ચેરમેન અને કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઇ હુંબલે જણાવ્યું કે, ફળો અને શાકભાજીની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે રહેલી ગેપને દૂર કરવા અમૂલ પેર્ટનનો ઉપયોગ કરવામાં આવશે. દૂધની જેમ જ ફળો અને શાકભાજીમાં કલેકશન, પ્રોસેંસિગ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેની માટે એફપીઓ પણ નિયુક્ત કરવામાં આવશે. ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનો માટે ઓર્ગેનિક અને નેચરલ ખેતી કરતાં ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદનો મેળવવામાં આવશે. તેમજ ઓર્ગેનિક અને કુદરતી ખેતી સાથે જોડાયેલ તમામ ખેડૂતોને ભરોસાપાત્ર અને સસ્તા દરે તેમની ખેત પેદાશોની ચકાસણી કરી શકે તે માટે અમૂલ દ્વારા ખાસ પ્રકારની પરીક્ષણ લેબ ભારતભરમાં સ્થાપવામાં આવશે. જેમાં ગુજરાતમાં દરેક જિલ્લાકક્ષાએ પરીક્ષણ લેબ સ્થાપવાનું આયોજન છે.

દરેક જિલ્લાને તેઓના ઉત્પાદનો પ્રમાણે અગ્રતા આપવામાં આવશે અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોને અમૂલ બ્રાન્ડ હેઠળ બજારમાં મુકવામાં આવશે. જેમાં અમૂલ ડેરી દ્વારા ઓર્ગેનિક ઘઉં લોટ બજારમાં મુકવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અમૂલ બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક મગદાળ, ઓર્ગેનિક તુવેરદાળ, ઓર્ગેનિક ચણાદાળ અને ઓર્ગેનિક બાસમતી ચોખા પણ બજારમાં મુકવામાં આવશે. ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોનું એક જૂથ તૈયાર કરવામાં આવશે અને ઓર્ગેનિક સોર્સિંગમાં પણ અત્યારના મિલ્ક મોડેલનું અનુકરણ કરવામાં આવશે. તેનાથી ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોની આવક વધે અને એકંદરે ઓર્ગેનિક ફૂડ ઉદ્યોગનો વિકાસ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x