રાજ્યમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા સરકાર ત્રીજીવાર ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવશે
રાજ્યમાં ગેરકાયદે બાંધકામોનો વ્યાપ ઘણો વધારે છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવે તો નાગરિકોની નારાજગી વહોરવી પડે તેમ છે જેથી સરકારે ફરી એકવાર ઇમ્પેક્ટ ફી કાયદો લાવીને ગેરકાયદે બાંધકામો નિયમિત કરવાની કવાયત શરૂ કરી છે. સૂત્રો મુજબ શહેરી વિકાસ વિભાગે તાજેતરમાં રાજ્યભરના શહેરી વિસ્તારોમાં સરવે કરાવ્યો હતો જેમાં 85 ટકા જેટલા બિલ્ડિંગ જીડીસીઆરના નિયમોને અનુરૂપ નહીં હોવાથી બીયુ મેળવવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાયું છે.
રાજ્યમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા માટે સરકાર ફરી એકવાર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવા જઇ રહી છે. આ માટેનો તખ્તો તૈયાર કરી દેવાયો છે અને ઓગસ્ટ મહિનામાં વટહુકમ બહાર પાડીને અમલ શરૂ કરવામાં આવશે. જુલાઇ 2022 સુધીમાં થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામને ઇમ્પેક્ટ ફી વસૂલીને નિયમિત કરવાનું આયોજન સરકારે કર્યું છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં 85 ટકા બિલ્ડિંગ બીયુ પરમિશન વિનાની હોવાથી બાંધકામો તોડવાને બદલે ફી વસૂલી નિયમિત કરવામાં આવશે.હાઇકોર્ટમાં થયેલી એક પીઆઇએલમાં પણ સરકાર તરફથી આ વિગતો રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં સરકારે એક એફિડેવિટ પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી છે. આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા શક્ય નહીં હોવાથી સરકારે ઇમ્પેક્ટ ફીનો રસ્તો અપનાવ્યો છે. જીડીસીઆરના નિયમ મુજબના ન હોય તેવા અને પાછળથી વધારાનું બાંધકામ કરાયું હોય તેવા બાંધકામો ઇમ્પેક્ટ ફી વસૂલીને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે.
આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ઓગસ્ટમાં વટહુકમ બહાર પાડી કાયદાનો અમલ શરૂ કરાશે. બાદમાં વિધાનસભાનું સત્ર મળે ત્યારે બિલ પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ અપાશે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે કહ્યું કે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે જેના પર હીયરિંગ હવે થશે. આ બાબત હાઇકોર્ટના અધિકારક્ષેત્રની હોવાથી કોઇ ટિપ્પણી થઇ શકે નહીં.