પેઢલા ગામે આવેલ જયશ્રી ઇન્ટરનેશનલ રો હાઉસ નામના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદીને રખાયેલા મગફળીના જથ્થામાંથી ધૂળ અને કાંકરા મળી આવ્યા હતાં. આ અંગે ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગનભાઇ નાનજીભાઇ ઝાલાવડિયા’ દ્વારા માળિયાહાટીનાના મોટી ધણેજ સહકારી મંડળીના પ્રમુખ,મંત્રી, ગુજકોટના સુપરવાઇઝર, ગોડાઉનના મેનેજર,’ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરીને પ્રમાણપત્ર આપનાર એનબીએચસીના અધિકારી વગેરે સામે વિશ્વાસઘાત છેતરપિંડી સહિતના આરોપસરની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના પગલે જુદી જુદી છ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન આ મગફળી કૌભાંડના સંદર્ભમાં પોલીસે મોટી ધાણેજના રામશી ચુડાસમા, જાદવ પીઠિયા, સોનીંગ’ અને મંડળીના ઉપપ્રમુખ ખુમાણ જુનજીયાની અટકાયત કરીને સઘન પુછપરછ શરૂ કરી છે. જયારે મંડળીના પ્રમુખ અને મંત્રી’ ભુગર્ભમાં ઉતરી ગયા છે. તેની’ ભાળ મેળવવા માટે તેના પરિવારજનોની પણ પુછપરછ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મંડળીના પ્રમુખ અને મંત્રીના મોબાઇલ ફોનના નંબર મેળવીને તેના લોકેશનના આધારે જૂનાગઢ પંથકમાં દરોડાનો દોર શરૂ કરાયો છે.

આ બન્ને હાથમાં આવ્યા બાદ મગફળીની ભેળસેળમાં કોણ-કોણ સંડોવાયેલ છે? ભેળસેળ યુકત મગફળીનો જથ્થો કોના કહેવાથી અને કોની મારફતે ગુજકોટને વેચવામાં આવ્યો હતો? આ મગફળી કૌભાંડમાં કોઇ મોટામાથા સંડોવાયેલા છે કે કેમ? સહિતની વિગતો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ કૌભાંડ પાછળ થર્ડ પાર્ટી વીમો પકવવાની તૈયારી ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને ફરિયાદમાં વીમા કંપની સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજકોટ દ્વારા માળિયા હાટીના તાલુકાના મોટી ધાણેજ ગામની સહકારી મંડળીએ ટેકાના ભાવે 31 હજાર ગુણી મગફળી ખેડૂતો પાસેથી ખરીદી હતી. આ મગફળીની કિંમત 4 કરોડ, 57 લાખ, 25 હજાર જેટલી છે. જેમાં મોટાભાગની ગુણીઓમાં કાંકરા, માટીની ભેળસેળ બહાર આવી છે. 35 કિલોની એક ગુણીમાંથી 20 કિલો કાંકરા-પથ્થર હોવાનું ખુલતા ગોડાઉનનો મેનેજર તાળાં મારી જતો રહ્યો હતો. બાદમાં મિડિયામાં વહેતા થયેલા અહેવાલોના પગલે રાજ્ય સરકારે રાજકોટના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાએ નાફેડને પોલીસ ફરિયાદ કરવા તાકીદ કરી હતી. જો કે નાફેડે નહીં પણ ગુજકોટે આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નેંધાવી હતી.