આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે
આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.
જે,માં બનાસકાંઠાના થરાદમાં 5.90 ઈંચ. લાખાણીમાં 4 ઈંચ, ખેડાના કઠલાલમાં 3.50 ઈંચ, સુઈગામમાં 3.25 ઈંચ. વડગામમાં 3.25 ઈંચ, પાલનપુરમાં 3 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, દાંતામાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ, મહુધામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધાનેરા, ડિસા, અંજાર,સતલાસણા, વાલિયા, સંતરામપુરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 20.90 ઈંચ સાથે 116.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.26 ઈંચ સાથે 46.82 ટકા, મધ્યગુજરાતમાં 17 ઈંચ સાથે 56.34 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 60.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 46.75 ઈંચ સાથે 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હજી ઉત્તર ગુજરાતમા વરસાદની ઘટ છે પરંતુ હાલમાં કરવામા આવેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 22 ઈંચ સાથે 66.06 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યમાં મેઘમહેરથી જળાશયોમાં પાણીની આવક વધી છે. સુકાભઠ રહેલા જળાશયો પણ હવે પાણીથી ભરાઈ ગયાં છે.
રાજ્યમાં હાલમાં પાણીનો જથ્તો 58.13% છે. ઉત્તર ગુજરાતમાં 22.00%, મધ્યગુજરાતમાં 42.70%, દક્ષિણ ગુજરાતમાં 70.86%, કચ્છમાં 70.40% અને સૌરાષ્ટ્રમાં 54.99% પાણીનો જથ્થો છે. જ્યારે નર્મદા ડેમની વાત કરીએ તો 63.32% ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 8 જળાશયો એલર્ટ પર છે. 70 ટકાથી વધુ ભરાયેલા 14 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 131 જળાશયોમાં 70 ટકાથી ઓછુ પાણી છે.