ગાંધીનગરમાં વરસાદી માહોલમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી
રાજયમાં વરસાદની મૌસમ પૂરબહાર ખીલી છે. જેની સાથો સાથ મચ્છરજન્ય રોગોમાં પણ નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હોવાથી સૂરજના દર્શન થવા મુશ્કેલ બની રહ્યા છે. વરસાદી વાતાવરણની અસરથી મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. સતત રહેતાં વાદળછાયા વાતાવરણ તેમજ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સાદો તાવ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો આવી રહ્યો છે.
ગાંધીનગરમાં છેલ્લાં અઠવાડિયાથી મચ્છરજન્ય રોગના દરરોજના એકસોથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેનાં કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.ગાંધીનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેવાથી તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જેનાં કારણે ગાંધીનગર સિવિલનાં મેડિસિન વિભાગમાં સામાન્ય દિવસો કરતા 20 ટકાથી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં મેડીસીન વિભાગમાં દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. જેમાં શરદી, ખાંસી અને સામાન્ય તાવના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. ચોમાસાની મૌસમ શરૂ થતાં જ ગાંધીનગરમાં મેલેરિયા, સાદો તાવ તેમજ ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી આંકડાની વાત કરીએ તો દરરોજ એકસો જેટલા કેસો તાવના સામે આવી રહ્યા છે. જેનાં પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કાદવ કીચડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થઈ ચૂક્યું છે. વરસાદી સિઝન શરૂ થતાં જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દઈ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગો વધી જવાની સૌથી વધુ સંભાવના રહેતી હોય છે. જેનાં પગલે મેલેરિયા શાખા પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.