મંકીપોક્સથી ગુજરાતમાં એલર્ટ! સિવિલમાં ઉભો કરાયો સ્પેશિયલ વોર્ડ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ વિશે કહ્યુ કે, મંકીપોક્સ પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાયરસ છે, કોરોનાની જેમ હવાના માધ્યમથી ફેલાતો નથી. ગુજરાતમાં હજી સુધી એકપણ કેસ કેસ ન નોંધાતા હાલ રાહતના સમાચાર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્ર એલર્ટ કરાયુ છે. ભવિષ્યમાં 8 બેડનાં બદલે જરૂર પડે તો 18 બેડની સુવિધા ઊભી કરાશે.
કોરોના બાદ હવે વિશ્વ મંકીપોક્સ વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે, જેથી હવે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHO એ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારે ગુજરાતનું આરોગ્ય ખાતુ પણ એક્ટીવ થઈ ગયું છે.વિશ્વના 75 દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 16 હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ભારતમાં 4 કેસ નોંધાયા છે. મંકીપોક્સ વાયરસ મામલે સરકારે ગાઇડલાઈન પણ જાહેર કરી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગયુ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ કેસ આવે તો વ્યવસ્થા હોય તે માટેના પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયારી દેવાયા છે, જેથી ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય છે. તેમજ અન્ય લોકોમાં ચેપ ન પ્રસરી શકે તો તકેદારી રાખવામાં આવે. તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિને તાવ આવે, શરીર પર ફોલ્લા પડે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.
બેથી ત્રણ અઠવાડિયામાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળતા હોય છે, કોરોનાની જેમ માસ્ક પહેરવું અને ગાઈડલાઈનનું પાલન કરીશું તો સુરક્ષિત રહી શકીશું. ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તો કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.