26 જુલાઈ 2008 બોમ્બ બ્લાસ્ટઃ રક્તરંજીત અમદાવાદની વેદનાની વરસી
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ 26 જુલાઈ 2008, એક એવી તારીખ જેને અમદાવાદ ક્યારેય યાદ કરવા માંગતું નથી…26 જુલાઈ 2008, એક એવી તારીખ જેને અમદાવાદીઓ ક્યારેય ભૂલી નહીં શકે…શું છે તેની પાછળનું કારણ એ જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. 26 જુલાઈ 2008, આ તારીખના ઠીક એક દિવસ પહેલાં કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં 7 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતાં. જેમાં સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. બપોરે થયેલાં આ બોમ્બ વિસ્ફોટના સમાચાર બેંગાલુરુથી દોઢ હજાર કિલો મીટર દૂર આવેલાં અમદાવાદના અખબારોમાં પણ છપાઈ હતી. સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત, 246 લોકો ઘાયલ થયાપણ કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય કે જે બેંગાલુરુમાં જે થયું એના કરતા ખુબ જ વધારે તીવ્રતાથી આ કહાનીને અમદાવાદમાં પણ અંજામ અપાશે.
26મી જુલાઈ 2008, એ તારીખ અને શનિવારનો દિવસ અને સાંજે 6 વાગ્યાને 10 મિનિટનો સમય અમદાવાદ શહેર માટે કાળમુખા સમાચાર લઈને આવ્યો…સૂર્ય આખા દિવસનો થાક ઉતારવા હવે આરામની મુદ્રામાં જવાની તૈયારીમાં હતો. પણ કોને ખબર હતી કે જેમ-જેમ સૂર્ય અસ્ત તરફ વળી રહ્યો હતો એમ બીજી તરફ કાળમુખો સમય ચોઘડિયાની ચાલ બદલીને આ અમન પસંદ અમદાવાદ શહેરની શાંતિની ડહોળવા માટે ની તૈયારી કરીને બેઠો હતો. બધું જ શાંત હતું હંમેશાની જેમ દોડતું-ભાગતું અમદાવાદ શહેર પોતાની મસ્તીમાં મસ્ત હતું. અને અચાનક માહોલ બદલાઈ ગયો. ઠીક સાંજના 6 વાગ્યાને 10 મિનિટની આસપાસ અમદાવાદમાં ભેદી વિસ્ફોટની ઘટનાની શરૂઆત થઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં આ સિલસિલો ખુબ ઝડપથી આગળ વધી રહ્યો હતો. અને એક બાદ એક અમદાવાદના વિવિધ સ્થળોએથી બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવી રહ્યાં હતાં. હસતુ-રમતુ શહેર અચાનક હેબતાઈ ગયું. કિલકારીઓ ચિચિયારીઓમાં ફેરવાઈ ગઈ. ચારેય તરફ ડર…દહેશત અને ખૌફનો માહોલ છવાઈ ગયો. બધુ બાજુથી બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળી રહ્યાં હતાં. ક્યાં જવું? શું કરવું? કંઈજ સુજતું નહોંતું. અમદાવાદમાં એક સાથે અચાનક લાખો ફોનની ઘંટડીઓ રણકવા લાગી. લોકો પોતાના સ્વજનોને આ ઘટના અંગે પૂછી રહ્યાં હતા અને એ પૂછવાના બહાને લોકો પોતાના સ્વજનો હેમખેમ છેને? દબાયેલાં સ્વરે એ પૂછવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પોલીસ સ્ટેશનોમાં અચાનક સુનામી આવી ગઈ હતી. અને પોલીસ પણ સમજી ગઈ હતી કે આ કંઈ એવું થઈ રહ્યું છે જે અત્યાર સુધી ક્યારેય નથી થયું. પણ એવા સમયે શું કરવું એ કોઈને ખબર નહોંતી. અમદાવાદની સિવિલમાં પણ અચાનક આવો જ એક બ્લાસ્ટ થયો. ત્યાં ઊભેલાં કેટલાંક લોકો મદદ માટે નજીક ઘણાં ત્યાં અચાનક બીજો બ્લાસ્ટ થયો જે મદદ માટે આવેલાં લોકોને પણ મોતના મુખમાં ભરખી ગયો.
સિવિલમાં લોકોની સારવાર કરી રહેલું ડોક્ટર દંપતી પણ આ બોમ્બ બ્લાસ્ટમાં બળીને ખાખ થઈ ગયું. એક બાદ એક અમદાવાદ શહેરના ખાડિયામાં 3, બાપુનગર 2, રામોલ 2 અમરાઈવાડી 1, વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી. આ ઉપરાંત રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ ઘટનામાં આતંકી સંગઠનોનો હાથ હોવાનું સામે આવ્યું. અને સુરક્ષા એજન્સીઓએ એ દિશામાં તપાસ શરૂ કરી.