અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે
ચોટીલામાં ખાનગી કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર રોપવેની સુવિધા માટે સરકારે મંજૂરી આપી છે જેથી કંપની કામગીરી શરૂ કરી શકશે. બીજીતરફ રોપવેના સંચાલન અને રોયલ્ટી અંગેના નિયમો નક્કી કરવાના બાકી છે જેથી સરકાર હવે ટૂંક સમયમાં આ મામલે નિર્ણય કરશે. આ માટે કંપની અને સરકારના પ્રવાસન અથવા યાત્રાધામ વિકાસ બોર્ડ વચ્ચે એમઓયુ થશે.રાજ્યના વધુ એક પ્રવાસન સ્થળ ચોટીલામાં રોપવેને સરકારે મંજૂરી આપી છે. આ મામલે ચાલી રહેલા કોર્ટ કેસનો નિકાલ થતાં સરકારે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ખાનગી કંપની દ્વારા ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં રોપવેની સુવિધા ઊભી કરવામાં આવશે.ચોટીલામાં રોપવેની સુવિધા માટે લાંબા સમયથી કવાયત ચાલતી હતી.
એપ્રિલ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં ચોટીલામાં રોપવેની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કોર્ટ કેસને કારણે મંજૂરીમાં વિલંબ થયો હતો. આખરે સરકારે આ મંજૂરી આપી છે. આ રોપવેની સુવિધા ખાનગી કંપની દ્વારા કરવામાં આવનાર હોવાથી ઉર્જા વિભાગ હસ્તકની ટેકનિકલ કમિટી દ્વારા ચર્ચા અને અભ્યાસ બાદ આખરી મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે આગામી દિવસોમાં કામગીરી શરૂ થઇ શકશે. અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે આ સુવિધા ઉભી થશે.ચોટીલા ડૂંગર પર 655 જેટલા પગથિયા છે. જેથી વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. રોપવેની સુવિધાને કારણે તમામ યાત્રાળુઓને માતાજીના દર્શનમાં સરળતા રહેશે.