ભારતના 5G યુગનો આજે પાયો નખાશે : 4.3 લાખ કરોડના સ્પેક્ટ્રમની હરાજી થશે
નવું ડિજિટલ ઇન્ડિયા હવે એક નવું આયામ સર કરવા ઉભું છે. આજે શરૂ થયેલી નવી સ્પેક્ટ્રમ ફાળવણી દેશના દૂરસંચાર વિભાગને એક નવી સિદ્ધિ તરફ આગળ લઈ જશે.મંગળવારથી શરૂ થઈ રહેલી 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયામાં દેશની ટોચની ચાર દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ ભાગ લેશે. રિલાયન્સ જિયો, ભારતીય એરટેલ સહિતની આ કંપનીઓ કુલ 4.3 લાખ કરોડ રૂપિયા ના 72 ગીગાહર્ટ્ઝ માટે આજે બોલી લગાવશે. મંગળવારે યોજાનારી આ હરાજી પ્રક્રિયા સવારે 10:00 વાગે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.
ટેલિકોમ વિભાગના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓક્શનમાં લાગનારી બોલી અને ભાગ લેનાર તમામ પક્ષકારોની રણનીતિના આધારે નક્કી થશે કે હરાજી પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચાલશે. ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટના મત મુજબ આ હરાજી પ્રક્રિયા બેસ પ્રાઇસની આસપાસ જ થશે. અમુક જ એક્ટ્રમમાં ઊંચી બોલી લાગવાની સંભાવનાઓ રહેલી છે અને હરાજી પ્રક્રિયા બે દિવસ સુધી ચાલુ રહી શકે છે.રસપ્રદ વાત એ છે કે આ હરાજી પ્રક્રિયાની અંદર મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો, સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલ અને બિરલા તથા vodafoneનું સંયુક્ત સાહસ વોડાફોન આઈડિયા સિવાય ભારતના ટોચના અમીર અને વિશ્વના ચોથા ધનકુબેર ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ પણ આ હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા જઈ રહી છે. ટેલિકોમ વિભાગના અંદાજ અનુસાર 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયામાંથી અંદાજે 70000 કરોડથી એક લાખ કરોડની આવકની સંભાવના છે.
એક રિપોર્ટ અનુસાર વર્તમાન 4G સેવાઓ કરતા દેશમાં શરૂ થનારી નવી ફાઇવજી સેવાઓ માં ઇન્ટરનેટ સ્પીડ અંદાજે 10 ગણી હશે. તાજેતરના એક અહેવાલ અનુસાર રિલાયન્સ જિયો આ હરાજી પ્રક્રિયામાં સૌથી આગળ રહી શકે છે. જિયોએ ટેલિકોમ વિભાગ પાસે અંદાજે 14000 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ એ પણ નાની પરંતુ 100 કરોડ રૂપિયાની રકમ હરાજી પ્રક્રિયામાં ડિપોઝિટ કરાવી હતી