ઇન્ફોસિટીની મિર્ચ મસાલા, ઝાયકા રેસ્ટોરન્ટ સહિતની હોટેલોના માલિકો સામે બાળ મજૂરી કરાવતા ગુનો નોંધાયો
ગાંધીનગર :
ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં આવેલી નામાંકિત હોટલોના સંચાલકો દ્વારા બાળ મજૂરીના કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરીને બાળકો પાસે બાળ મજૂરી કરાવી આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની બચપન બચાવો આંદોલન નામની એનજીઓને ફરિયાદ મળી હતી. જેના પગલે સીઆઇડી ક્રાઇમની એચ.ટી.સેલ ટીમે દરોડો પાડીને સાત બાળકોને મજૂરીના મુખમાંથી છોડાવ્યાં હતા. તેમજ સાત ઈસમો સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બચપન બચાવો આંદોલન નામની સ્વૈચ્છીક સંસ્થાનાં સ્ટેટ કો-ઓર્ડીનેટર દામીનીબેન પટેલ, ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડના વોલેન્ટીયર ઉમેશ રાઠોડ આઇ.ડી.ક્રાઇમ એન્ડ રેલ્વેઝ અને મહિલા અને બાળમિત્રની ટીમને ઇન્ફોસીટી શોપીંગ સેન્ટરમાં અલગ-અલગ રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય બાળ મજૂરોને ગેરકાયદેસર મજૂરીએ રાખી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેનાં પગલે સી.આઇ.ડી.ક્રાઇમ એ. એચ.ટી.સેલના સબ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ અને એન.એ.રાયમાએ સ્ટાફના માણસો સાથે ગઈકાલે ઈન્ફોસિટી શોપિંગ સેન્ટર સુપરમોલ-1ની ઝાયકા રેસ્ટોરન્ટ દરોડો પાડયો હતો. જ્યાં બાળકો એક 16 વર્ષનો બિહારનો સગીર મજૂરી કામ કરતો મળી આવ્યો હતો. જેની પ્રાથમિક પૂછતાંછમાં સગીરને માત્ર માસિક 7 હજારના પગારથી હોટલનાં મેનેજર મોહમદ સાહીલ હુસેન સાફી દ્વારા મજૂરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આથી હોટલના માલિક અમીત દાસ (રહે કોલકતા) અને મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ટીમે બાજુની સાબર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટ ખાતે ત્રાટકીને તપાસ કરતાં 12 વર્ષ અને 16 વર્ષના બે મળીને ત્રણ સગીર વયનાં બાળકો પાસે મેનેજર મોહમદ તારીક આલમે મજૂરી કામ કરાવી રેસ્ટોરન્ટનો માલિક મોહમદ આલમ શેખ (રહે. પેથાપુર) આર્થિક શોષણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. એજ રીતે ભાડેથી ચલાવતો યશ ફુડ રેસ્ટોરન્ટનો માલિક બહાદુરીંગ ગંભીરસીંગ રાઠોડ (રહે, ગામ-પચલાશા, તા-સાબલા, જી-ડુંગરપુર) પણ નજીવા વેતને ડુંગરપુરનાં સગીર પાસે મજૂરી કામ કરાવતા આબાદ ઝડપાઈ ગયો હતો. ઈન્ફોસિટી સુપરમોલમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં પણ દરોડો પાડવામાં આવતા સગીર વયના બે બાળકો પાસે કોન્ટ્રાક્ટર હિમાન્ત્રગીરી શાંતીગીરી ગોસાઇ મજૂરી કામ કરાવતો હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જે પૈકી એક સગીરને તો છેક નેપાળથી લઈ આવી માત્ર રૂ. 9500 જ પગાર આપી રીતસરનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આ હોટલનો માલિક રાકેશ ઠક્કર (રહે. ગાંધીનગર) હોવાનું સગીરોએ જણાવ્યું હતું. ઝાયકા રેસ્ટોરન્ટનાં મેનેજર મોહમદ સાહીલ હુસૈન સાફી તથા માલીક અમીત દાસ, સાબર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટના મેનેજર મોહમદ તારીક આલમ તથા માલીક મોહમદ આલમ શેખ, યશ ફુડ રેસ્ટોરન્ટ દુકાન ભાડેથી ચલાવનાર બહાદુરીંગ ગંભીરસીંગ રાઠોડ, મિર્ચ મસાલા રેસ્ટોરન્ટનાં કોન્ટ્રાક્ટર હિમાન્શગીરી શાંતીગીરી ગોસાઇ તથા માલીક રાકેશ ઠક્કર પોતાના ઉપરોક્ત અલગ અલગ રેસ્ટોરન્ટમાં બાળકોની ઉંમર ઓછી હોવાનું જાણવા છતા મજૂરી માટે રાખી બાળ મજુરી કરાવી હતી. જેથી જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ 79 તથા બાળ અને કિશોર મજુર (પ્રતિબંધ અને નિયમન) કાયદો 1986 ની કલમ 3,14 મુજબ ગુનો ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.