આ વખતે જુલાઈમાં સૌથી વધુ 24 ઈંચ વરસાદે 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો છે, જેના કારણે સિઝનનો 70 ટકા વરસાદ પડી ગયો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાકી છે. રાજ્યના અનેક જળાશયો, નદીઓ અને કુવાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જો કે વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈમાં અપેક્ષા કરતાં 56 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પહેલીવાર જુલાઈમાં આ વખતે સૌથી વધુ 24 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો છે.
86 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના 31 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 55 ડેમોમાં 90 ટકાથી વધુ પાણી આવી ચૂક્યું છે. ગુજરાતના 6 ડેમમાં 80 થી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70 થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ પણ ગુજરાતના 128 ડેમોમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા અને રાજ્યના 620.87 ટકા ડેમમાં પાણી ભરાયું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. રાજ્યના 206 ડેમમાંથી 34 ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલકાયા છે, જેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતમાં એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ વધુ પાણી આવ્યું નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.