ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 61 ટકા ઉપરાંત થયાનો રિપોર્ટ
ગાંધીનગર : ચોમાસાનો દોઢ મહિનો પસાર થઇ ગયો છે અને મોસમનો વરસાદ ૫૨ ટકા પર પહોંચવા આવ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પણ ૬૧ ટકા ઉપરાંત વિસ્તારમાં થઇ ગયું છે. માણસામાં ૭૯.૨૧, દહેગામમાં ૬૯.૨૦, ગાંધીનગરમાં ૫૫.૪૪ અને કલોલમાં ૩૮.૬૩ ટકા વાવણીનું કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે ખેડૂતોનો ઝોક ઘાસચારો, કપાસ, મગફળી અને ડાંગર પર વધુ રહ્યો છે.જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે જિલ્લામાં ઘાસચારાનું વાવેતર ૨૨,૪૧૫ હેક્ટર પર પહોંચ્યું છે. જ્યારે કપાસનું વાવેતર ૨૦,૪૭૮ હેક્ટરમાં, મગફળીનું વાવેતર ૧૦,૯૮૬ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ૧૦,૧૬૬ હેક્ટરમાં અને ડાંગરનું વાવેતર ૮,૦૮૬ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નોંધ લઇ શકાય તેવા પાકમાં મગનું વાવેતર ૧,૧૦૨ હેક્ટરમાં, બાજરીનું વાવેતર ૯૫૫ હેક્ટરમાં, ડાંગર ધરૃનું વાવેતર ૧,૧૯૭ હેક્ટરમાં, ગુવારનું વાવેતર ૮૭૨ હેક્ટરમાં, અડદનું વાવેતર ૪૧૫ હેક્ટરમાં, સોયાબીનનું વાવેતર ૧૦૫ હેક્ટરમાં, તલનું વાવેતર ૧૯૬ હેક્ટરમાં, મઠનું વાવેતર ૩૮ હેક્ટરમાં, મકાઇનું વાવેતર ૧૧ હેક્ટરમાં અને તુવેરનું વાવેતર ૫ હેક્ટરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હોવાના રિપોર્ટ મળ્યાં છે. વિસ્તાર પ્રમાણે દહેગામ તાલુકામાં સૌથી વધુ ૨૮,૨૦૮ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
બીજા ક્રમે માણસા તાલુકામાં ૨૧,૭૧૭ હેક્ટર વિસ્તારમાં, ત્રીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં ૧૮,૧૫૩ હેક્ટરમાં અને ચોથા ક્રમે કલોલ તાલુકામાં ૧૧,૦૬૭ હેક્ટરમાં તારીખ ૩૦મી જુલાઇ સુધીમાં વાવેતર થયુ હતું. જિલ્લાનું કુલ વાવેતર ૭૯,૧૪૫ હેક્ટરમાં થયું છે. ત્યારે નોંધવું રહેશે કે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પ્રમાણે વરસાદી મોસમમાં ખેડૂતો દ્વારા કુલ મળીને ૧,૨૯,૫૭૮ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે.