રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ : ગાંધીનગર વિસ્તારમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ કડી કેમ્પસમાં ફરકાવાશે
સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી તથા ગાંધીનગરના પરીસરોમાં આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. સમગ્ર નાગરિકવૃંદ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થાય, રાષ્ટ્રીય પ્રતીકો તથા એકતા અને અખંડિતતાના મૂલ્યો આત્મસાત કરે, દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદવીરોની શહીદીનું સ્મરણ કરી ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન કરે તે હેતુથી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી – ગાંધીનગર *‘હર ઘર તિરંગા અભિયાન’ માં* ગૌરવસભર તથા સક્રિયપણે જોડાશે.
રાષ્ટ્રની આઝાદીના સંઘર્ષમાં સર્વ વિદ્યાલયનું પણ સવિશેષ પ્રદાન રહ્યું છે. આ સંઘર્ષમાં સંસ્થાના ઘણા છાત્રો, શિક્ષકોશ્રીઓ અને સંચાલકોશ્રીઓએ પણ ભૂતકાળમાં જેલવાસ વેઠ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે અને રાજ્યના પાટનગર ગાંધીનગર વિસ્તારમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ગાંધીનગરના શૈક્ષણિક કેમ્પસ સેક્ટર- ૨૩ અને સેક્ટર- ૧૫ ખાતે *૧૭૦ ફૂટના સ્તંભ ઉપર ૪૫ ફૂટ લંબાઈ અને ૩૦ ફૂટ પહોળાઈ* ધરાવતો રાષ્ટ્રધ્વજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા ભવ્યતાથી *૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ ના રાષ્ટ્રીય દિવસથી* કાયમી ધોરણે ફરકાવવામાં આવશે. આવા વિરાટ રાષ્ટ્રધ્વજ એક સાથે ત્રણે કેમ્પસોમાં ફરકાવતા આ પ્રસંગ આઝાદીના અમૃત મહોત્સવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનશે. પરિણામે સર્વ વિદ્યાલય પરિવાર કડી અને ગાંધીનગરમાં અનેરો ઉત્સાહ વર્ધિત થશે. વિશેષ સ્વરૂપે કડી અને ગાંધીનગરનાં શૈક્ષણિક કેમ્પસોમાં ફરજ બજાવતા *તમામ ૨૮૦૦ કર્મચારીઓને* પોતાના નિવાસસ્થાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી દરેક કર્મચારીને રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજદંડ એનાયત કરવામાં આવશે.
કડી અને ગાંધીનગર સર્વ વિદ્યાલય સંસ્થા પરિવાર પણ ૭૫ માં આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે ઉત્તર ગુજરાત અને ગાંધીનગરમાં સૌથી ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી ધન્યતા અનુભવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલ સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા *વર્ષ ૨૦૧૯ માં ૫૫૧ ફૂટ લાંબા તિરંગા* સાથે ઐતિહાસિક*”શૌર્યયાત્રા”*કડી અને ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.