M.Scમાં છેલ્લે ઘડીએ બેઠકો ફેરફાર કરાતા રીશફલિંગના ૨૫૦ પ્રવેશ રદ
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં પીજીની વિવિધ વિષયની અને યુનિ.ભવનોની વિવિધ વિષયની મળીને ૨૪૦૦ જેટલી બેઠકો છે. પ્રથમ રાઉન્ડમાં ૮૦૦ જેટલા પ્રવેશ કન્ફર્મ થયા બાદ રીશફલિંગ રાઉન્ડ કમ સેકન્ડર રાઉન્ડ માટે ચોઈસ ફિલિગ કરાવી પ્રવેશ ફાળવી દેવાયો હતો.જેમાં લગભગ ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો.પરંતુ દરમિયાન સેવન્થ ડે,પ્રેસિડેન્ટ સહિતની ત્રણ ખાનગી કોલેજોની ગ્રાન્ટેડ અને એચપીપી મોડની બેઠકોમાં ફેરફાર થયો હતો. રીશફલિંગ રાઉન્ડ બાદ કેટલીક ગ્રાન્ટેડ બેઠકો મંજૂર કરાઈ હતી.જ્યારે સેવન્થ ડે કોલેજની મેથેમેટિક્સ વિષયની બેઠકો કેન્સલ કરવામા આવી હતી.ગુજરાત યુનિ.માં પીજી સાયન્સની પ્રવેશ પ્રક્રિયામાં ગત વર્ષ બાદ આ વર્ષે પણ છબરડો થયો છે.આ વર્ષે પ્રથમ રાઉન્ડ બાદ રીશફલિંગ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયા પછી કેટલીક કોલેજોમાં છેલ્લી ઘડીએ બેઠકોમાં ફેરફાર થતા રીશફલિંગ રાઉન્ડ જ રદ કરવો પડયો છે અને જેમાં ફાળવાયેલા ૨૫૦ પ્રવેશ રદ કરાયા છે.જ્યારે આવતીકાલે ત્રીજીથી ફરી રીશફલિંગ રાઉન્ડ શરૃ કરવામા આવે તેવી શક્યતા છે.જે વિદ્યાર્થીઓએ રીશફલિંગમાં એચપીપીની એટલે કે ઊંચી ફીની ખાનગી ધોરણે ચાલતી બેઠકોમાં પ્રવેશ લઈ લીધા હોય તેઓને મોટો અન્યાય થાય તેમ હતો.ઉપરાંત મેરિટનો પણ ભંગ થાય તેમ હતો.
પ્રેસિડેન્ટ કોલેજમાં કેમીસ્ટ્રીની ૨૮, માઈક્રોબાયોલોજીની ૨૮ અને સેવન્થ ડેમાં મેથેમેટિક્સની ગ્રાન્ટેડ ૭૩ બેઠકો છે. આ પીજી કેન્દ્રોમાં ગ્રાન્ટેડ અને એચપીપી બેઠકોમાં છેલ્લી ઘડીએ ફેરફાર થતા મેરિટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં ૨૧ જુલાઈથી ૨૭ જુલાઈ દરમિયાન થયેલ રીશફલિંગ રાઉન્ડ રદ કરાયો છે અને જેમાં ફાળવેલ તમામ પ્રવેશ રદ કરવામા આવ્યા છે.હવે તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી રીશફલિંગ રાઉન્ડ થશે.મહત્વનું છે કે કોમર્સ હોય કે સાયન્સ પ્રવેશ, કોલેજો-બેઠકોની છેલ્લી ઘડીની મંજૂરીઓને લઈને વિદ્યાર્થીઓને હેરાન થવુ પડે છે.કોલેજો-બેઠકો વધઘટની મંજૂરીની પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા શરૃ કરતા પહેલા કરવાની હોય પરંતુ યુનિ.ને હંમેશા એક-બે રાઉન્ડ બાદ જ યાદ આવે છે. આ વર્ષે પ્રવેશ સમિતિઓના પણ ઠેકાણા નથી અને યુનિ.તેમજ પ્રવેશ સમિતિની વહિવટી પ્રક્રિયાની ખામીઓનો ભોગ હાલ તો પીજી સાયન્સના વિદ્યાર્થીઓને બનવુ પડયુ છે.