૯ ઈજનેરી કોલેજમાં પ્રવેશ પ્રતિબંધ : ૩૮ કોલેજની ૪૭૭૫ બેઠક ઘટાડાઈ
જીટીયુ દ્વારા કરાયેલા ઈન્સપેકશનમાં રાજ્યની ૯ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં સ્ટાફ અને સુવિધાઓ સહિતની ખામીઓ જણાતા આ વર્ષ માટે નો એડમિશન ઝોનમાં મુકાઈ છે.જ્યારે વિવિધ યુજી-પીજી અને ડિપ્લોમા કોર્સની ૩૮ કોલેજો બેઠકો ઘટાડી દેવાઈ છે.જેના પગલે ૪૭૭૫ બેઠકો ઘટી છે.ઉપરાંત ૯ કોલેજો નો એડમિશન ઝોનમાં મુકાતા આ કોલેજોની વિવિધ બ્રાંચની મળીને ૨ હજારથી વધુ બેઠકો પણ ઘટશે.આમ આ વર્ષે હાલના તબક્કે વિવિધ ટેકનિકલ કોર્સમાં ૬૭૦૦થી વધુ બેઠકો ઘટી છે.જીટીયુ દ્વારા દર વર્ષે સંલગ્ન કોલેજોમાં એેકેડમિક ઓડિટ અંતર્ગ તમામ કોલેજોમાં પાસેથી સ્ટાફ-સુવિધાઓ બાબતનો સેલ્ફ ડિકલરેશન રિપોર્ટ મંગાવવામા આવે છે.
રિપોર્ટ બાદ જે કોેલજોમાં ખામીઓ હોય તેવી કોલેજોને નોટિસ મોકલવામા આવે છે અને પુર્તતા માટે આદેશ કરવામા આવે છે ત્યારબાદ જીટીયુ દ્વારા કમિટી મોકલી ઈન્સપેકશન કરાવી સ્ટાફ-સુવિધાની ખરાઈ કરવામા આવે છે. આ વર્ષે સંલગ્ન ૪૩૫ પાસેથી રિપોર્ટ મંગાયા બાદ ૨૮૦ સંલગ્ન કોલેજોમાં તજજ્ઞાો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૩૮ કોલેજોમાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા ૩ વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેના પગલે ૩૮ કોલેજોની બેઠકો ઘટાડી દેવાઈ છે.જેમાં ડિગ્રી એન્જિનિયરીંગની ૧૫ કોલેજોમાં વિવિધ બ્રાંચની ૧૨૯૫ બેઠકો, ડિપ્લોમાં એન્જિનિયરીંગની ૧૮ કોલેજોમાં વિવિધ બ્રાંચની ૩૩૦૦ બેઠકો, ફાર્મસીની એક કોલેજની ૬૦ બેઠકો ,એમબીએની ૩ કોલેજની ૬૦-૬૦ બેઠકો અને એમસીએની એક કોલેજની ૬૦ બેઠક ઘટાડવામા આવી છે. આમ તમામ વિદ્યાશાખાની મળીને કુલ ૩૮ કોલેજોની ૪૭૭૫ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની ૯ કોલેજોની નો એડમિશન ઝોનમં મુકાઈ છે.જેમાં પાંચ ડિગ્રીની અને ચાર ડિપ્લોમાની કોલેજ છે.આ કોલેજોની વિવિધ બ્રાંચની બે હજારથી વધુ બેઠકો પણ ઘટી છે.
આ કોલેજોમાં આ વર્ષે એડમિશન કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામા નહીં આવે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એડમિશન કમિટીને પણ કરવામાં આવી છે.જો કે જીટીયુ દ્વારા દર વર્ષે પાછળથી દબાણ કે વગ હેઠળ કેટલીક કોલેજોને ફરીથી એડમિશન ઝોનમાં મુકી દેવાતી હોય છે.જેથી આ વર્ષે પણ ૯ કોલેજમાંથી કેટલીક કોલેજને ફરી એડમિશન ઝોનમાં મુકવામા આવી શકે.