ગાંધીનગરમાં વરસાદી સિઝનમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યુ
ગાંધીનગરમાં વરસાદી સિઝનમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યુ છે. વરસાદી ઠેર ઠેર ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. આ સમસ્યાના નિરાકરણ માટે સેક્ટરોમાં કોમન ચોકમાં ભરાઈ રહેલાં વરસાદી પાણીનો નિકાલ કરી નિયમિત સાફ સફાઈ કરવા ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ચોમાસાની સીઝનમાં છેલ્લા એક મહિનાથી વધતો ઓછો વરસાદ ધીમી ગતિએ પડી રહ્યો છે. આથી શહેરના સેકટરો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા છે. સેકટરોનાં કોમનચોકમા આંતરિક રોડ તથા ગટરોનું જમીન લેવલનાં અભાવે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી.
વરસાદી પાણીનાં કારણે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.ઘર ઘેર બીમારીના ખાટલા અને હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. આ અંગે શહેર વસાહત મહા સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઇ છે કે, દિવસેને દિવસે કોરોનાનો આંકડો આગળ વધતો જાય છે અને પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. જેથી ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા જરૂરી બન્યા છે. તેમજ સેકટરોનાં કોમનચોકમા સાફસફાઈ અને દવાઓ છંટકાવ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે.શહેરમાં વધી રહેલાં રોગચાળાના પગલે ચુંટાયેલા કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં મુલાકાત કરી વરસાદી પાણીના નિકાલ, કોમન ચોકની નિયમિત સાફ સફાઈ તેમજ મચ્છરોનો નાશ કરવા તંત્રની ટીમ સાથે જોડે રહીને દવાનો છંટકાવ કરાવવો જોઈએ. આંતરિક માર્ગો ઉપર રખડતી ગાયોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. જેનાં કારણે પણ ગંદકીનું સામ્રાજય વધી રહ્યું છે. આથી સમયસર શહેરમાં વક્રી રહેલો રોગચાળો અંકુશમાં લેવા અસરકારક પગલાં ભરવાની સૌ નગરજનોને માંગણી છે.