ગાંધીનગરમાં જુગાર રમતા આધેડની ગોળી મારીને ધડાધડ છરીના ઘા મારી કરાઇ હત્યા
ગાંધીનગર :
ગાંધીનગરના કોલવડા ગામથી સોનીપુર તરફ જતાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં આજે જુગારની બાઝી માંડીને બેઠેલા ગામના 49 વર્ષીય દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બનાવની જાણ થતા પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચારેક મહિના અગાઉ એક બોર કૂવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું.
દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતો હતો. જે આજે તેના કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠો હતો. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થઇ હતી. જેનાં કારણે જુગાર રમતાં ઈસમો પૈકીના એકે ફાયરિંગ કર્યું હતું. જેનાં કારણે દિલીપસિંહનાં પેટના ભાગે ગોળી વાગી હતી. તેમ છતાં હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ દિલીપસિંહ સાથે ત્રણથી ચાર ઈસમો જુગાર રમી રહ્યા હતા. સ્થળ પરથી જુગારના પાના પણ વિખરાયેલી હાલતમાં મળી આવ્યા છે. તો ગામના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલીપસિંહના પત્નીનું વીસેક વર્ષ અગાઉ બીમારીના કારણસર અવસાન થયું હતું અને તેને ત્રણ સંતાનો પણ છે. જે પછીથી દિલીપસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી એક દિકરો પણ છે.