અટલજીની અંતિમ યાત્રા શરૂ, 4 વાગ્યે અંત્યેષ્ટિ
નવી દિલ્હી :
ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. અંતિમ યાત્રામાં તેમના પાર્થિવ દેહને બીજેપી હેડક્વાર્ટરથી રાજઘાટ લઈ જવામાં આવ્યો છે. અટલજીની અંતિમ યાત્રામાં મોદી-શાહ સહિત બીજેપીના અગ્રણી નેતાઓ સાથે સાથે ચાલી રહ્યા છે. સવારે અટલજીના દેહને કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. ત્યાં પણ પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ પર મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્થળ નજીક 4 વાગ્યે અટલ બિહારી વાજપેયીજીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.