મેઘ મલ્હારના ભોંયરા ખુલ્લા કરાવાયા : મહિલા કોર્પોરેટરના પતિ કેતન પટેલનો આક્ષેપ તથ્યોની તપાસ કર્યા વગર માત્ર સનસની ફેલાવવા કાર્યવાહી.
ગાંધીનગર :
શહેરમા થોડા દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશમાં હવે મહાનગરપાલિકા દ્વારા પણ લાઇન દોરી ચાતરીને કોઇ સ્થળે તોડફોડ મચાવી દેવાતી હોવાનું અને બાજુમાં જ નજર ચોરી કરવામાં આવતી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે. ત્યારે આવા મુદ્દે જ ગુરુવારે કોંગ્રેસ ભાજપના સ્થાનિક આગેવાનો ધસી આવ્યા હતા અને અધિકારીઓ સાથે કાર્યવાહી કરવામાં ભેદભાવની નીતિ રાખવામાં આવી રહ્યાનું કહ્યુ હતું.
વર્ષ 1992 અને ત્યાર બાદ બંધાયેલી અહીંની દરેક ઇમારતમાં તે સમયે કાયદાની જે જોગવાઇ હતી. તે પ્રમાણે પાર્કિંગ માટેના ભોંયરા બાંધવામાં આવેલા છે, પરંતુ ભોંયરામાં અસામાજીક પ્રવૃત્તિ ચાલુ થઇ જતી હોવાથી તેને બંધ કરી દેવાતા હતા. ઉપરાંત જુની જોગવાઇ પ્રમાણે તેમાં મોટી સંખ્યામાં વાહનનો સમાવેશ થતો નથી. જોકે ગુરુવારે મહાપાલિકા દ્વારા મેઘ મલ્હાર કોમ્પલેક્ષના બંધ ભોંયરા જેસીબીથી ખુલ્લા કરી દેવાયા હતા.
સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ મહિલા કોર્પોરેટરના પતિ કેતનભાઇ પટેલે કહ્યું કે વેપારીઓએ બિલ્ડર, ડેવલપર પાસેથી ખરીદેલી મિલકતના દસ્તાવેજ તેમની પાસે છે. મહાપાલિકાએ આખરી નોટિસ આપી તેના જવાબમાં પુરાવા સહિતની રજુઆત કરવામાં આવી છે. પરંતુ સત્તાધિકારીઓ દ્વારા વેપારીના જવાબ જોયા વગર અને તથ્યોની તપાસ કર્યા વગર માત્ર સનસની ફેલાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.