ગાંધીનગર

પાટનગરમાં મેઘમહેરથી હરખની હેલી : જીલ્લામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો.

ગાંધીનગર :

પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં પુરા એક મહિના બાદ અસલ વરસાદી માહોલની જમાવટ થઇ હતી. ગત 22મી જુલાઇ બાદ વરસાદ બંધ થઇ ગયા પછી 31 દિવસે ધોધમાર વરસાદ આવ્યો હતો. શહેરી વિસ્તારમાં આ સાથે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ સહિત મોસમનો કુલ વરસાદ 10 ઇંચ પર પહોંચી ગયો છે. પાટનગરમાં દરેક સેક્ટરમાં ખુલ્લા કોમન પ્લોટ અને સરકારી વસાહતોમાં ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. રસ્તાઓ પર અને ન્યૂ ગાંધીનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તા પરના પાણીની સમસ્યાના તુરંત નિરાકરણ માટે મહાપાલિકાના મજુરોની ટીમ મેદાને ઉતારાઇ હતી, જેણે ગટરના ઢાંકણા ખોલવા માંડ્યા હતા. પરંતુ વ્યાપક વરસાદ જેવી સ્થિતિના કારણે છેલ્લા થોડા દિવસ દરમિયાન જ્યાં ખોદકામ કરાયા છે, ત્યાં ભૂવા પડવાની સ્થિતિનું સર્જન થયુ હતુ. વીઆઇપી કહેવાતા સેક્ટર 19માં વરસાદી પાણીના નિકાલની કાંસની યોગ્ય સફાઇ થઇ નહીં હોવાના કારણે રસ્તા પરથી પાણી ઉતરવામાં સાંજ પડી ગઇ હતી. આ ઉપરાંત વાવોલ વિસ્તાર, સેક્ટર 22 મુખ્ય માર્ગ, એલડીઆરપી સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે પાટનગરવાસીઓ ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા. જ્યારે દિવસભર લોકો ઘરમાં જ રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *