BLOની કામગીરી અંગે શિક્ષકોને નોટિસ ફટકારતા રોષ
ગાંધીનગર: મતદાર યાદી સુધારણા સંદર્ભે બુથ લેવલ ઓફિસરની કામગીરી પ્રાથમિક વર્ગના શિક્ષકોને કરાવવામાં આવી રહી છે. ખાસ ઝુંબેશના દિવસોમાં મતદારના ફોર્મ ન ભરવા અથવા તો ચૂંટણી અધિકારીની કચેરીમાં નિરીક્ષક દ્વારા મોડેથી રજૂઆત કરવા બદલ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. આ અંગે કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે બાળકોના શિક્ષણ પર ખરાબ અસર પડી રહી છે અને શિક્ષકો તેમને સક્ષમ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ જ્યારે બીએલઓને કામ સોંપવામાં આવ્યું ત્યારે તેઓ પૂરતો સમય ફાળવી શકતા નથી. કારણ કે બીએલઓની કામગીરી માટે ગ્રામ્ય શિક્ષકોને શહેરમાં અને શહેરના શિક્ષકોને ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રાથમિક શિક્ષણ સંઘના જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો પર કામનું ભારણ ઘટે તે જરૂરી છે. તે માટે શિક્ષકોને તેમના ફરજના ક્ષેત્રમાં BLOનું કામ સોંપવું જોઈએ. ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મ ભરવામાં ઘણો સમય લાગતો હોવાથી બેમાંથી એક કામગીરી કરવી જોઈએ, જો ઓનલાઈન કામગીરી કરવી હોય તો BLOને ટેબ્લેટ અને ડેટા વપરાશની સુવિધા આપવી જોઈએ. જો કે આધાર કાર્ડને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ ઓફિસને વારંવાર 100% આધાર કાર્ડ સબમિટ કરવાની ફરજ પાડવામાં આવે છે, જે બંધ થવી જોઈએ. શિક્ષકોને વિવિધ સામગ્રી અને માહિતી માટે કચેરીએ બોલાવવાને બદલે તેમના બૂથ સુધી સામગ્રી પહોંચાડવા અને બૂથ પરથી પરત લઈ જવાની વ્યવસ્થા કરવા સાથે બીએલઓને આપવામાં આવેલી નોટિસો પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.