ગુજરાત

રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇફાઈની સુવિધા પહોંચતી કરવાની નેમ છે – મુખ્યમંત્રી પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં પ્રાવધાન કરવામા આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતના વિકાસની યાત્રા અમે છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને આગળ વધારી રહ્યા છીએ.

ગુજરાતને છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો છે. જેને પરિણામે ગુજરાત બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે તેમ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું. ખેડા જિલ્લામાં સંવત્સરી અને ગણેશ ચતુર્થીના પાવન પર્વે આજે વિકાસનો યજ્ઞ આરંભાયો છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સારા કાર્યો માટે હંમેશા પહેલા ગણપતિને યાદ કરવા પડે છે તેવી રીતે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિન ખેડા જિલ્લામાં લોકોપયોગી વિકાસના અનેકવિધ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, છેવાડાના માનવી સુધી યોજનાના લાભોની સાથે વિકાસનું કાર્ય પહોંચે તેનો સંનિષ્ઠ પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી, પાણી સહિતની અનેકવિધ પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. દરેક તાલુકા અને છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બે દાયકા પૂર્વે રાજ્યમાં રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાના અભાવે ઉદ્યોગ ધંધા તાલુકા – ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યા નહોતા અને ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો હતો.

તે આ સરકારે ખૂટતી કડીઓ જોડી દૂર કર્યો છે. કોવિડના કપરા સમયમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશબાંધવોએ અસરકારક સામનો કર્યો હતો, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમયસર કોરોના વેક્સીનેશન થકી દેશ આ આફતના સમયમાંથી બહાર આવી ગયો. કોરોના સમયે ધંધા – રોજગાર ગુમાવનારની પડખે સરકાર રહીને કોઈ પણ દરિદ્રનારાયણ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી છે. આજે પણ આ સેવાયજ્ઞ થકી લાખો લોકોને અનાજ નિઃશુલ્ક અપાઈ રહ્યું છે.તેમણે ઉમેર્યું કે, કોવિડ મહામારી બાદ ગુજરાત રાજ્યે સૌથી મોટું બજેટ આપ્યું છે. નીતિ આયોગ પ્રમાણે દેશભરમાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમાંકે છે અને તીવ્ર ગતિથી આગળ ધપી રહ્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ કહ્યું હતું કે આજે ખેડાની ધરતી ઉપર સોનાનો સુરજ ઉગ્યો છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસના ગણેશ મંડાયા છે. જિલ્લામાં ૧૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતાની પરિપક્વતાની સાથે સરકારની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે આજે ગુજરાતમાં વિકાસના અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, “સૌના સાથ, સૌના વિકાસ”ના મંત્રને વરેલી સરકારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ નીચે ગુજરાતને વિકાસની નવી દિશા બતાવી છે.

રાજ્યમાં લોકકલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા છેવાડાના માનવી સુધી તેના લાભો પહોંચાડ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ઈ-તકતી અનાવરણ દ્વારા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના અંદાજિત રૂપિયા ૬૨.૮૨ કરોડના ૭૨ વિકાસ કામો ખાતમૂર્હુત – લોકાર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એન. આર.એલ.એમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માતૃશક્તિ યોજના, આંબેડકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક તેમજ કીટ્સનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પંચાયત રાજયમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પરમાર, કલેકટરશ્રી કે.એલ બચાણી, ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કાનજીભાઈ પરમાર, ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નમ્રતાબેન પટેલ, ઠાસરા નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી હેમેન્દ્રભાઈ પટેલ, ડાકોર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પટેલ, અગ્રણીઓ સર્વ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી ભાર્ગવભાઈ , શ્રીવિપુલભાઈ પટેલ, અમુલ ડેરીના ચેરમેનશ્રી રામસિંહ પરમાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x