મેડિક્લેમમાંથી ’15 બેડની હોસ્પિટલ’ની શરત દૂર, હવે ક્યાંય પણ સારવાર લઇ શકાશે.
Ahmadabad :
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ મેડીક્લેમ પોલિસીની નીતિમાં એક ધરખમ અને આવશ્યક ફેરફાર એ કર્યો છે કે મેડિક્લેમનો લાભ લેવો હોય તો મેડીક્લેમ પોલિસી ધારકે એવી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડે કે જે હોસ્પિટલ ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોય. ઇરડા એ તમામ પ્રકારની મેડિકલ પોલિસીમાંથી આ શરત કાઢી નાંખી છે. હવે મેડિક્લેમ પોલિસી ધારક ક્યાંય પણ કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં સારવાર લઇ શક્શે. ઇરડાના આ ફેરફારને કારણે ભારતના હજારો નાના તબીબો ઉપરાંત લાખો મેડિક્લેમ પોલિસી ધારકોને મોટો ફાયદો થશે.
અત્યાર સુધી એવું બનતું હતું કે ગ્રામીણ વિસ્તાર તેમજ એવા નાના નગરો કે જ્યાં 15 બેડથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ, નર્સિંગ હોમ ન હોવાના કારણે મેડિક્લેમ ધરાવતા ગામવાસીઓએ મોટા શહેરોની મોટી હોસ્પિટલોમાં સારવાર કરવા માટે આવવું પડતું હતું. આવી સ્થિતિ ભારતના લાખો મેડિકલેમ ધારકોની થઇ રહી હતી. નાનું દવાખાનું, નાનું નર્સિંગ હોમ ધરાવતા ગ્રામિણ વિસ્તારના તબીબો, છેવાડાના વિસ્તારમાં સક્રિય હોય તેવા તબીબો કે જેમની પાસે 15 બેડથી ઓછા બેડ હોય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમની પાસે કોઇ મેડિક્લેમ ધારકો સારવાર માટે જતા ન હતા, આવા તબીબોને પણ ધંધો રોજગારથી વંચિત રહેવું પડતું હતું.
- દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકો તેમજ હજારો નાના તબીબોને મોટો ફાયદો
- ગામડાના નાના નર્સિંગ હોમમાં પણ હવે સારવાર લઇ શકાશે અને મેડિક્લેમ પાસ થશે
- મેડિક્લેમ પાસ કરાવવા માટે ગરીબ મધ્યમવર્ગીય પોલિસી ધારકોએ મોટી હોસ્પિટલોના બિનજરૂરી ખર્ચાના ખાડામાં ઉતરવું પડતું હતું
આમ ભારતમાં લાખો મેડિક્લેમ ધારકો તેમજ હજારો તબીબોને પડતી આ કઠણાઇને ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ આખરે દૂર કરી દીધી છે. મેડિક્લેમ પોલિસીમાં રહેલી ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોસ્પિટલમાં જ સારવાર લેવાની શરતને કાયમ માટે દૂર કરી દેવામાં આવી છે.
એકલા મુંબઇની જ વાત કરીએ તો 1200 નર્સિગ હોમ્સમાંથી 684 નર્સિંગ હોમ એવા છે કે જ્યાં 15 બેડની સુવિધા નથી તેનાથી ઓછી સંખ્યામાં બેડ ધરાવે છે. મુંબઇના 7500 તબીબોનું સભ્યપદ ધરાવતા ધ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટસ નામના સંગઠન દ્વારા મુંબઇ હાઇકોર્ટ સમક્ષ એવી પિટીશન ફાઇલ કરવામાં આવી હતી જેમાં મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 પથારીવાળી હોસ્પિટલમાં સારવાર લેવાની શરતને કાઢી નાંખવા અંગેની દાદ માંગવામાં આવી હતી.
મુંબઇના તબીબ સંગઠનની પિટીશનની સુનવણી દરમિયાન ગઇ તા.5મી જુલાઇએ મુંબઇ હાઇકોર્ટમાં ઇરડા તરફથી એવું પ્રોસિડિંગ્સ રજૂ કરવામાં આવ્યું હતું કે ઇરડાએ મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 બેડની હોસ્પિટલમાં સારવાર લેવા સંદર્ભની શરતને કાઢી નાંખી છે. ફક્ત એવા નર્સિંગ હોમમાં મેડિક્લેમ ધારકે સારવાર લેવી પડશે કે જેનું રજિસ્ટ્રેશન સ્થાનિક સત્તામંડળ (લોકલ ઓથોરિટી)માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 2010 અન્વયે થયેલું હોવું જોઇએ. અથવા તો શિડ્યુલ ઓફ સેક્શન 56 (1) અન્વયે કાર્યવાહી થયેલી હોવી જોઇએ.
15 બેડની હોસ્પિટલનો કાનૂન સામાન્ય ગરીબ-મધ્યમવર્ગીય પોલિસી ધારકો માટે અન્યાયી હતો કેમકે પોલિસી ધારકોએ ફરજિયાત મોટી હોસ્પિટલ્સમાં સારવાર લેવી પડતી અને તેના બિનજરૂરી ખર્ચાઓ તો સહન કરવા પડતા પરંતુ મોટા ભાગના કિસ્સામાં હેરેસમેન્ટ તેમજ બિનજરૂરી ખર્ચામાં પણ ઉતરવું પડતું હતું. હવે મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ બેડની શરત દૂર થતાં દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકોનો મોટો ફાયદો થયો છે.
ભારતમાં હોસ્પિટલમાં જુદી જુદી કેટેગરીથી દર્દીઓને આકર્ષવામાં આવે છે જેમાં પ્રાઇવેટ એસી રુમ, પ્રાઇવેટ નોનએસી રૂમ, ટ્વીન શેરિંગ રૂમ, જેવા રૂમ તેવો ચાર્જ, જેવી હોસ્પિટલ્સ તેવા તબીબોની ફી ના ચાર્જીસ. ધનવાન પરિવારો મેડિક્લેમ ધરાવતા હોય ત્યારે આવા ખર્ચની ફિકર કરતા નથી હોતા કેમકે તેમની મેડિક્લેમ પોલિસી તમામ સુવિધા સંપન્ન કેશલેશ હોય છે જ્યારે સિમીત મેડિક્લેમ પોલિસી ધરાવતા ધારકો માટે મોટી હોસ્પિટલો ખર્ચાના ખાડા સમાન બની રહેતી હતી.