વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ.
જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં આજે તા. ૨૩ ઓગષ્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પધારી રહ્યા છે. વડાપ્રધાન બપોરે બિલખારોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં પરિસરમાં તૈયાર કરાયેલ હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાંથી વડાપ્રધાનશ્રી નજીકમાં ખાસ તૈયાર કરાયેલ સભાસ્થળે પહોંચશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદઘાટન અને કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે કાર્યક્રમના સ્થળેથી જી.એમ.ઇ.આર.એસ. સંચાલીત મેડીકલ કોલેજ પરિસરમાં તૈયાર થયેલ નુતન સિવીલ હોસ્પીટલ ભવનનું લોકાર્પણ થશે, સાથે સાથે જૂનાગઢ શહેરનાં વિકાસમાં રૂા. ૩.૬૮ કરોડના ખર્ચે રીનોવેટ બાદ નવા રૂપરંગ સાથે યશકલગીમાં ઉમેરો કરતા શામળદાસ ટાઉનહોલ અને રૂા. ૪૧૬ લાખનાં ખર્ચે સાંબલુપર ખાતે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે જૂનાગઢના શાન સમાન ભક્તકવિ નરસિંહ મહેતા સરોવરને રૂા.૬૦ કરોડનાં ખર્ચે થનાર બ્યુટી ફિકેશનના કામનું અને ૨૦.૭૯ કરોડનાં ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
વેરાવળમાં કાર્યરત અને જૂનાગઢ કૃષિ યુનિ. સંલગ્ન ફિશરીઝ કોલેજ ભવન કે જે ૧૪૬૦ લાખનાં ખર્ચે નવનિર્માણ થયુ છે તેનું અને રૂા. ૪૫૭ લાખનાં ખર્ચે બનેલ સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિ. પરિસરમાં રૂા.૫૫૨ લાખનાં ખર્ચે નવનિર્મિત પોલીટેક્નીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આમ તા. ૨૩ ઓગષ્ટનો દિન જૂનાગઢ જિલ્લાની વણથંભી વિકાસની દિશામાં નવો આયામ બની રહેશે.
આ ઉપરાંત પી.ટી.સી. ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘનાં મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ સમારંભમાં કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, અન્ન અને પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, આરોગ્ય રાજય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, સાંસદ શ્રી રાજેભાઇ ચુડાસમા તેમજ મહાનગર પાલિકાના મેયરશ્રી આધ્યશકિતબેન મજમુદાર સહિતના હોદેદારો, જિલ્લાના સંગઠન પદાધિકારીઓ અને સંબંધિત વિભાગોના સચિવશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આજે કાર્યક્રમના સ્થળે તૈયારીઓ અને વ્યવસ્થાઓને સુનિશ્ર્ચિત કરવા કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ કલેકટરશ્રી સૌરભ પારધી, એસપી.સૌરભસિંઘ અને કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એ.આર.પાઠક સહિતના જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં લોકોની વિવિધ વ્યવસ્થાઓ અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું.