રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં UGC ના નિયમો ને નેવે મુકીને ભાજપ નેતાઓના સગા વહાલાઓને બનાવાઈ રહ્યા છે કુલપતિ.
અમદાવાદ :
ગુજરાત રાજ્યની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તેમની ‘જાગીર’ હોય તેમ વર્તવાનું ક્યારનું શરુ કરી દીધું હતું. આજે તે ઉપક્રમને જાળવી રાખતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સતત વિવાદોમાં રહેતી શિક્ષણ નીતિઓને કારણે શિક્ષણ એ સેવા ને બદલે શિક્ષણ એ “બીઝનેસ” બની ગયેલ છે. ભૂલ ભરેલા નિર્ણયો કે પછી સગા વહાલાઓને પ્રાથમિકતા અપાઈ રહી છે? ઓછી લાયકાત ધરાવતા સગા વહાલાઓને પ્રાથમિકતા આપીને પૂર્ણ લાયકાત ધરાવતા પ્રોફેસરોને અન્યાય થઇ રહ્યો છે સાથે સાથે “ના”લાયક પ્રોફેસરોને ઓછા અનુભવ, UGC ના નિયમો ને નેવે મુકીને સરકાર નિર્ણયો લઇ રહી છે.
‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ ના કુલપતિ પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભાઈ ડૉ.
ગિરીશ પટેલ ઉર્ફે ડૉ. ગિરીશ વાઘાણીની વરણી રાજ્ય સરકારે કરી હોવાનું સામે આવ્યું છે. ડૉ.શૈલેષ ઝાલાનો કાર્યકાળ પૂરો થતા ડૉ. પટેલ હવે આ સ્થાને બિરાજશે.
આમ પણ, આ યુનિવર્સટીના કુલપતિ ડૉ. શૈલેષ ઝાલા સામે સંખ્યાબંધ સવાલો હતા જ. ડૉ.ઝાલા એસોસિએટ પ્રોફેસર રેન્કના ન હોવા છતાં અને પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ધરાવતા ન હોવાના કારણે યુજીસીના નિયમો અનુસાર તેઓ આ પદ માટે લાયકાત ધરાવતા નહોતા। આ મુદ્દે ગુજરાત વડી અદાલતમાં કેસ પણ થયો હતો. કદાચ, સરકારના પ્રીતિપાત્ર હોવાના કારણે તેમની આ પદે નિયુક્તિ થઇ હશે.
હવે ‘બકરું કાઢતા ઊંટ’ પેઠા જેવો ઘાટ થયો છે ! જો કે “સમરથ કો નહીં દોષ ગોસાંઈજી” એ ન્યાયે ભાજપ પ્રદેશ પ્રમુખના ભાઈ હોવાના નાતે ડૉ.ગિરીશ પટેલને તેમની લાયકાત વિષે કોણ પૂછવાનું ?
ગુજરાતની યુનિવર્સિટીઓ રાજકારણના અડ્ડા બની ચુકી છે અને ‘ભાઈ-ભત્રિજા વાદ’ કે ‘પારિવારિક રાજકારણ’ સામે જંગના દંભી નારા પોકારતી ભાજપાએ તેમના મળતિયાઓને જ કુલપતિના પદો લ્હાણીની જેમ વહેંચી દીધા છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાના સગા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલ અમદાવાદના પૂર્વ મેયર ડૉ. મુકુલ શાહને ‘ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી’ (અમરકંટક, મધ્યપ્રદેશ)ના વાઇસ-ચાન્સલર બનાવી દેવાયા છે. ભાજપ આઇટી સેલમાં કાર્યરત ડૉ.શશિરંજન યાદવ કચ્છ યુનિવર્સટીના કુલપતિ રહ્યા બાદ હાલ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’ના કુલપતિ છે.
આ પૂર્વે સરકાર ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ના કુલપતિ તરીકે શિવેન્દ્ર ગુપ્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણીને લાયકાત ધરાવતા ન હોવા છતાં કુલપતિપદે લોકોના માથે ઠોકી ચુકી છે. શિવેન્દ્ર ગુપ્તા વિરુદ્ધમાં પણ કોર્ટમાં અધુરી લાયકાત સાથે કુલપતિ બનાવ્યા નો કેસ ચાલી રહ્યો છે. હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સટીના કુલપતિ પદે જીતુ વાઘાણીના ભાઈ ડૉ. ગિરીશ પટેલને બેસાડી દેવાયા છે.
કહેવાય છે કે આ ભાઈ ડૉ.ગિરીશ પટેલ, ફેકલ્ટી ઓફ હોમેઓપેથીના ડીન છે. જેનું સરનામું સ્વામી વિવેકાનંદ હોમીઓપેથીક મેડિકલ કોલેજ, સીદસર, ભાવનગર એવું છે. તેમણે આણંદમાંથી હોમેઓપેથીનો અભ્યાસ કર્યો છે. જીતુભાઈના ભાઈ સિવાયની આ નવનિયુક્ત કુલપતિની બીજી શી લાયકાત અને ઉજળી શૈક્ષણિક કારકિર્દી છે તે અંગે શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.