ભારતે રોઈંગમાં ગોલ્ડ મેડલ જીત્યો : સિંગલ-ડબલ્સ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ.
જકાર્તાઃ
અહીં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેડલ જીતવા કમર કસી છે. આજે એશિયન ગેમ્સમાં ભારતી શરૂઆત શાનદાર રહી છે. રોઇંગ ઇવેન્ટની અલગ અલગ કેટેગરીમાં ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત કુલ મેડલ પોતાના નામે કરી લીધા છે.
ક્વાડ્રાપૂલ લાઇટવેટ સ્પર્ધામાં ભારત માટે સવર્ણસિંહ, દત્તુ ભોકાનાલ, ઓમપ્રકાશ અને સુખમીતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. આ સ્પર્ધાની થોડી વાર પહેલાં રોઇંગની ડબલ્સ અને સિંગલ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવ્યા હતા.
દુષ્યંતે મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ૭ મિનિટ ૧૮ સેકન્ડનો સમય લઈને ભારતને આ એશિયન ગેમ્સમાં રોઇંગનો પ્રથમ મેડલ અપાવ્યો હતો.
આ ઉપરાંત જ્યારે રોહિત કુમાર અને ભગવાનદાસે લાઇટવેઇટ ડબલ્સ સ્કલ રોવિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ બંનેએ રેસ પૂરી કરવા માટે ૭ મિનિટ ચાર સેકન્ડનો સમય લીધો હતો. દુષ્યંતનો આ એશિયન ગેમ્સમાં બીજો બ્રોન્ઝ મેડલ છે. તેણે ૨૦૧૪માં ઇંચિયોનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ ૨૧ મેડલ જીતી લીધા છે, જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
સ્વિમિંગઃ સંદીપ ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની ફાઇનલમાંઃ ભારતીય સ્વિમર સંદીપ સેજવાલે સ્વિમિંગમાં પુરુષોની ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સંદીપને ફાઇનલમાં છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધાની હિટ-૧માં સંદીપને ૨૭.૯૫ સેકન્ડનો સમય લઈને પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને ફાઇનલ સ્પર્ધા માટે ક્વોલિફાય કરી લીધું હતું.