અમદાવાદમાં મેમનગર BRTS સ્ટેન્ડ નજીક બસમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા
અમદાવાદઃ અમદાવાદમાં આજે વહેલી સવારે BRTS બસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે જાનહાની ટળી છે. બસમાં આગ લાગતા સમયસર ડ્રાઈવરે તમામ પેસેન્જરને બસમાંથી બહાર કઢાવી લીધા હતા અને ફાયર વિભાગને આગ અંગે જાણકારી આપી હતી. આ બસની અંદર 25થી વધુ મુસાફર સવાર હતા.પ્રાપ્ત વિગત અનુસાર, RTOથી મણીનગર જતી બસ સવારે 8:30 વાગ્યે મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી ત્યારે અચાનક બસમાં આગ લાગી હતી.
એન્જિનમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસના દરવાજા ખોલી નાખ્યા હતા. જેથી તમામ પેસેન્જર્સ બસમાંથી ઉતરી ગયા હતા. એન્જિનમાંથી ધુમાડો નીકળ્યા બાદ બસ આગમાં લપેટાઈ ગઈ હતી. બસમાં આગ લાગતા મેમનગર સ્ટેશનમાંથી પણ લોકોને હટાવવામાં આવ્યા હતા.ફાયર વિભાગને 8:45 આગનો કોલ મળતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં આગ લાગવાને કારણે બસ સ્ટેશનમાં આગ પ્રસરવા લાગી હતી. પરંતું ફાયર વિભાગની ટીમ તાત્કાલીક સ્થળ પર આવી જતાં BRTS બસ સ્ટેન્ડ વધુ નુકસા થયું નથી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસ આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.