ગાંધીનગરથી મુંબઈ હવે ટ્રેન દ્વારા છ કલાકમાં પહોંચાશે
ગાંધીનગર રાજધાની રેલ્વે સ્ટેશનના નવીનીકરણ બાદ સ્ટેશનની ઉપર એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે, જે બાદ કેન્દ્ર સરકાર અહીં વધુ રેલ સેવાઓ આપવા પર ભાર મુકી રહી છે. જે અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. ગાંધીનગરવાસીઓને મુંબઈ પહોંચવામાં માત્ર છ કલાક લાગશે.રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગર રેલવે સ્ટેશન વર્ષોથી ઉપેક્ષિત રહ્યું હતું. ગાંધીનગર શહેર કોલોની મહામંડળ સહિત અન્ય સંસ્થાઓએ ગાંધીનગરને અન્ય રાજ્યો સાથે જોડવા માટે રાજધાની રેલવે સ્ટેશનથી વધુ ટ્રેનો દોડાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. પરંતુ વર્ષો સુધી તેમની માંગણીઓ વણઉકેલાયેલી રહી.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરને ધ્યાનમાં રાખીને ગાંધીનગર રાજધાની રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો અને રેલવે ટ્રેક પર ભારતની પ્રથમ ફાઇવ સ્ટાર હોટેલનું નિર્માણ થયું હતું. તેથી અહીં વધુ ટ્રેનો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૌપ્રથમ અહીં ગાંધીનગર-વારાણસી સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. હવે વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરને સીધી મુંબઈ સાથે જોડવાનું શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપશે. ટ્રેન છ કલાકમાં મુંબઈના મુસાફરો સુધી પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનની સેવા એવા નાગરિકો માટે વરદાન સાબિત થશે જેઓ ઓછા સમયમાં પોતાનું કામ પૂરું કરીને મુંબઈ પાછા ફરવા માગે છે. નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી ગાંધીનગરના નાગરિકોને મુંબઈ જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડતી હતી, જેના માટે તેમને એક કલાકનો સમય બગાડવો પડતો હતો.