સાલ મુબારક વહેલા વહેલા કહી દેજો, ચૂંટણીઓના ધમધમાટમાં પછી સમય નહીં મળે..!
ગુજરાતમાં હવે મામાનું ઘર કેટલે.. દિવો બળે એટલે..ની જેમ કોઇ પૂછે કે ચૂંટણીઓ ક્યારે તો કહેવાય તે દિવો બળે એટલે…અને આ દિવો કે દિવડા હશે દિવાળી પર્વના. દિવાળી ઉજવી ના ઉજવી અને ગુજરાત હોળી પહેલાં ચૂંટણીના રંગમાં રંગાઇ જશે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે અને વર્ષો પછી ખરા અર્થમાં ત્રિપાંખિયો જંગ યોજાવા જઇ રહ્યું છે. જે ભાજપ-કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી-આપ-ની વચ્ચે ખેલાશે.રાજકીય રીતે જોઇએ તો ગત વર્ષે 9-14 ડિસેમ્બર2017ના રોજ ચૂંટણીઓ યોજાઇ હતી.
આ વખતે કંઇક વહેલી યોજાવા જઇ રહી છે. લગભગ નવેમ્બરના અંત સુધીમાં 182 બેઠકોનું પરિણામ આવી જાય અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવી સરકારની રચના થઇ જાય અને જાન્યુઆરી-2023માં વાઇબ્રન્ટ ગુજરાત સમીટ પણ નવી સરકારના નેજા હેઠળ યોજાશે.,કોની સરકાર બનશે એવી અટકળો વચ્ચે હવે તો ઓપિયનિયન પોલની શરૂઆત પણ થઈ ગઇ છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં 135 કરતાં વધુ બેઠકો સાથે ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઇ રહી હોવાના તારણો વ્યકત થઇ રહ્યાં છે. પહેલીવાર વિધાનસભા લડનાર આપ પાર્ટીને માત્ર બે બેઠકો મળે છે જ્યારે કોંગ્રેસને આ વખતે 77 નહીં પણ 35 કરતાં વધારે બેઠકો મળી શકે અને કેજરીવાલને માત્ર બે બે બેઠકો જ મળે તેમ છે.તારણો અને કારણો નિર્દેશ કરે છે કે સરકાર તો ભાજપની જ બનશે અને સીએમ પદે કોણ હશે એ પણ એક રહસ્ય હશે.
હાલમાં ભલે એમ કહેવાતુ હોય કે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ફરી સીએમ બનાવાશે એવી કોઇ ખાતરી નથી. કેમ કે એક વર્ષ પહેલા પ્રદેશ ભાજપ દ્વારા એવી જાહેરાત થઇ હતી કે ચૂંટણીઓ સીએમ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે. પણ સત્ય હકીકત એ છે કે રૂપાણી સમગ્ર ચૂંટણી ચિત્રમાં ક્યાંય નથી અને તેમને રાજકોટથી અમૃતસરની ફલાઇટમાં બેસાડી દેવામાં આવ્યાં છે. બની શકે કે 50 કરતાં વધારે બેઠકો પર અસર કરનાર પાટીદાર વોટ બેંકને ચૂંટણી ટાણે નારાજ નહીં કરવા કહેવામાં આવ્યું હોય કે ભૂપેન્દ્રભાઇ પટેલને ફરી સીએમ બનાવાશે.ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોને ખુલ્લી મૂક્યા બાદ ગમે ત્યારે ચૂંટણીઓ જાહેર કરી દેવાશે.નોંધનીય છે કે આ વખતની ચૂંટણીમાં 4.50 કરોડ મતદારો છે. કુલ 51 હજાર કરતાં વધુ મતદાન મથકો પર ચૂંટણીઓ યોજાશે. 51 હજારમાંથી 17 હજાર બુથ ગ્રામિણક્ષેત્રમાં અને બાકીના 34 હજાર શહેરી વિસ્તારમાં છે.ઓક્ટોબરના આગામી બે સપ્તાહ રાજકીય ગતિવિધિથી ભરેલા હશે. સામ સામે મોરચાબંધી થઇ રહી છે. કોંગ્રેસમાંથી ચેતન રાવલ ચૂંટ સમયમાં કમલમમાં જોવા મળશે. આપના કેજરીવાલ ઇસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયાના ફલેટમાં રહીને ગુજરાતના પરિણામોને નવો મોડ આપે તો નવાઇ નહીં.