ગાંધીનગર જિલ્લાની અલગ-અલગ 46 બેંકોમાંથી 99 નકલી નોટો મળી
ગાંધીનગરઃ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે નકલી નોટો ચલણમાં આવી છે ત્યારે ગાંધીનગર જિલ્લાની 46 અલગ-અલગ બેંકોમાં 50 થી 2000 રૂપિયાની 99 નકલી નોટો મળી આવી છે. આ અંગે બેંક મેનેજરે એસ-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગાંધીનગર એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.દેશમાં કાળા નાણા અને નકલી નોટોના કારોબારને રોકવા માટે વર્ષ 2016માં નોટબંધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ સમગ્ર ભારતમાં નકલી નોટોનો કારોબાર ફૂલીફાલી રહ્યો છે.
નકલી નોટો બજારમાં ફરતી થઈ રહી છે અને તે નોટોના બંડલ બેંકોમાં પહોંચી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા બે વર્ષમાં 46 જેટલી જુદી જુદી બેંકોમાંથી નકલી નોટો ઝડપાઈ છે. કલોલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આસી. મેનેજર વિશાલ સુરેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ ખાતેદારોના ખાતામાંથી નકલી નોટો મળી આવતાં આ અંગેનો પત્ર જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવ્યો હતો. બાદમાં અન્ય બેંકોમાંથી પણ આવી જ નોટો મળી હતી.
જેમાં 50ની 6 નોટો, 100ની 45, 200ની 12,500 અને 2000ની 11 નોટ મળી કુલ 99 નકલી નોટો મળી આવી છે. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ નોટોનો અસલી તરીકે ઉપયોગ કરીને ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં આવી રહી છે. હવે આ મામલે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધી ગાંધીનગર એસઓજી દ્વારા વધુ તપાસ શરૂ કરી છે.