ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા કૉંગ્રેસ મેદાને તો ઉતરી પણ રથમાં કોઇ રાષ્ટ્રીય નેતા તો છે જ નહીં..!
ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા કૉંગ્રેસ મેદાને તો ઉતરી છે પણ તેની છાવણીમાં કોઇ રાષ્ટ્રીય નેતાની ખોટ વર્તાય છે. પ્રિયંકા ગાંધી મોરચો સંભાળશે એમ કહેવાય છે પરંતુ તેઓ એક વખત પણ ગુજરાત આવ્યાં નથી. ક્યારે આવશે નક્કી નથી. ઉમેદવારોની યાદી આપ પાર્ટીવાળા જાહેર કરી રહ્યાં છે પણ ભાજપ કે કોંગ્રેસ દ્વારા હજુ એક નામ જાહેર કરાયુ નથી.ભાજપ તરફથી મોરચો મોદીએ સંભાળ્યો છે અને સળંગ ત્રણ દિવસ પ્રચાર કરીને એક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે જેમાં કોઇ એક રાજ્યની ચૂંટણીમાં કોઇ વડાપ્રધાન સળંગ ત્રણ દિવસ દિલ્હીથી દૂર રહ્યાં હોય. એ બતાવે છે કે ગુજરાત મોદી અને અમિત શાહ માટે કેટલુ મહત્વનું છે.આપ પાર્ટીવાળા કેજરીવાલ પણ જાણે કે ગુજરાત જીતવા મથી રહ્યાં હોય તેમ પંજાબના સીએમ માનને લઇને ગુજરાતના ગામડાઓમાં ખૂંદી રહ્યાં છે.
જ્યારે કોંગ્રેસ તો જાણે કે ચિત્રમાં જ નથી એમ લોકોને લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ કેજરીવાલની નકલ કરીને હવે પ્રચાર મટે રીક્ષાનો ઉપયોગ કરી રહ્યાં છે.નિરીક્ષકોના મતે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર મોટી મોટી સભાઓ અને રેલીઓ યોજાઇ રહી છે અને મોટા મોટા નેતાઓ મતદાતાઓને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પોરબંદરમાં પણ કૉંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી ત્યારે કૉંગ્રેસે હવે ગ્રાઉન્ડ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે પોરબંદર જિલ્લામાં કૉંગ્રેસે યુવા પરિવર્તન યાત્રા યોજી હતી. અહીં કૉંગી નેતા અર્જૂન મોઢવાડિયા રિક્ષામાં બેસીને યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન મોઢવાડિયાએ કૉંગ્રેસને સમર્થન આપવા લોકોને આહ્વાન કર્યું હતું.તેમણે પોરબંદરમાં અને ગુજરાતમાં સરકારી અધિકારીઓને ભાજપનો ઢંઢેરો લઈને કાયદા નેવે મૂકી ભાજપના કાર્યકર્તા બનવાની કોશિશ ન કરવા જણાવ્યું હતું. ભૂતકાળમાં પણ અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે. આથી અધિકારીઓએ એજન્ડા ન ચલાવવા અધિકારીઓને. કૉંગી નેતા અર્જૂન મોઢવાડિયાએ ચેતવણી આપી હતી. તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમરીશ ડેર, ગુજરાત મહિલા સેવાદળનાં પ્રમુખ પ્રગતિબેન આહીર અને ગુજરાતના યુવા પ્રભારી સહિતના યુવા આગવાનો જોડાયા હતા.
મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકર્તા ઓ પણ જોડાયા હતા.યુવા પરિવર્તન યાત્રા સોમનાથથી આજે પોરબંદર પહોંચી છે, જેનો હેતુ ભારતીય જનતા પાર્ટીને હટાવવાનો છે અને ગુજરાતમાં પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કામો થાય અને કૉંગ્રેસના સંકલ્પ પત્ર મુજબ ખેડૂતો યુવાનો અને માછીમારો સહિતના લોકોને લાભ આપવા જણાવ્યું હતું.પ્રજાની નજર કોંગ્રેસ પર છે કે તે ગુજરાતમાં કેજરીવાલની સાથે હવે ભાજપનો પણ મુકાબલો કરવાનો છે. તો એ જ રીતે ભાજપે પણ જુની પાર્ટી કોંગ્રેસની સાથે નવી પાર્ટી આમ આદમી પાર્ટીનો મુકાબલો કરવાનો છે.. કોંગ્રેસ તો કેજરીવાલને ગણતા નથી તેથી પંજેવાલા કમલવાળાની સામે ડટીને મુકાબલો કરવા યુવા પરિવ્રતન યાત્રા સાથે નિકળ્યા છે. પણ સંઘ કાશીએ…સોરી ગાંધીનગર પહોંચશે…?