પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હરાવવા ૨૩ જણા મેદાને
મહેસાણા જિલ્લોએ ભાજપનો ગઢ ગણાય છે. ગત વિધાનસભામાં ૭ બેઠકો પર ભગવો લહેરાયો હતો. ઉત્તર ગુજરાતમાં મહેસાણાએ રાજકીય લેબોરેટરી ગણાય છે. દેશમાં ભાજપને સૌ પ્રથમ મળેલી ૨ સીટમાં એક સીટ મહેસાણાની હતી. સને ૧૯૯૦માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખિલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ગત વર્ષ ૨૦૧૭ સુધી યોજાયેલ ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે છેલ્લા બે ટર્મ સને ૨૦૧૨ તેમજ સને ૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી નીતિનભાઈ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેમાં તેઓએ બદલાયેલ રાજકીય અને સામાજિક સમીકરણ વચ્ચે પણ ભાજપનો દબદબો જાળવી રાખ્યો હતો. મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે યોજાયેલ અત્યાર સુધીની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જાવા મળ્યો છે.સને ૧૯૬૨થી સને ૨૦૧૭ સુધી ૧૪ વખત યોજાયલ વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાને પાંચ પાટીદાર, બે બ્રાહ્મણ તેમજ બે રાજપૂત સમાજમાંથી ધારાસભ્ય મળ્યા છે. મહેસાણા બેઠક પર હાલમાં નીતિન પટેલ ધારાસભ્ય છે. નીતિન પટેલ કડીના છે પણ એ મહેસાણા સીટ પરથી ચૂંટણી લડે છે. નીતિન પટેલ સામે આ વર્ષે ૨૩ જણાએ ઉમેદવારી નોંધાવી છે.
એક સમયે સરકારમાં પડતો બોલ ઝિલાતો એવા નીતિન પટેલ સત્તામાંથી ઉતર્યા બાદ મહેસાણા ભાજપમાં એમનો દબદબો ઘટ્યો હોવાનું આ પૂરવાર કરે છે.ભલે નીતિન પટેલ રાજકારણમાં ટિકિટ માગવાનો દરેકને હક હોવાનું કહેતા પણ ભાજપના કદાવર નેતા સામે ૨૩ જણા ટિકિટ માગે એ પણ રાજકારણમાં બદલાયેલા સમીકરણો દર્સાવે છે. હાલમાં ભાજપ પાસે નીતિન પટેલ સિવાય સબળ ઉમેદવાર નથી પણ ભાજપમાં ક્યારેય શું બને એ કંઈ નક્કી હોતું નથી.